અમેરિકાનો મોટો નિર્ણય: ચીનની સીસીપી પાર્ટીના અધિકારીઓને નહીં આપે વિઝા

વોશિંગ્ટન: હોંગકોંગ મામલે અમેરિકા ખુલીને ચીનનો વિરોધ કરી રહ્યું છે. અમેરિકાએ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી)ના અધિકારીઓને વિઝા નહીં આપવાનો નિર્ણય કર્યો છે. આ વિઝા પ્રતિબંધમાં તેમના પરિવારના સભ્યોનો પણ સમાવેશ થઈ શકે છે. ચીન દ્વારા હોંગકોંગની સ્વાયત્તા, મૌલિક આઝાદી અને માનવાધિકારોના ઉલ્લંઘન મામલે અમેરિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોંપિયોએ એક પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે, હું સીસીપીના વર્તમાન અને પૂર્વ અધિકારીઓના વિઝા પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી રહ્યો છું. આ લોકો હોંગકોંગની સંપૂર્ણ સ્વાયત્તા ઓછી કરવા માટે જવાબદાર છે, જેની 1984માં ચીન બ્રિટનના સંયુક્ત ઘોષણાપત્રમાં ગેરન્ટી આપવામાં આવી હતી.

પોંપિયોએ વધુમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોંગકોંગની આઝાદીને ખત્મ કરવા માટે જવાબદાર સીસીપીના અધિકારીઓને સજા આપવાનું વચન આપ્યું હતું. આજે અમે એ જ દિશામાં કામ કાર્યવાહી કરી રહ્યા છીએ. સીસીપીએ હોંગકોંગની પ્રશાસનિક વ્યવસ્થા પર ચીનને નજર રાખવાનો અધિકાર આપીને તેમની વિધાન પરિષદના એક સભ્ય પર ગેરવર્તનનો આરોપ લગાવી અને જબરજસ્તીથી તેમના પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો થોપીને તેમની સ્વાયત્તામાં ઘટાડો કરવાનો પ્રયત્ન કર્યો છે.