નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા કેસોને લઈને વિશ્વભરના દેશો વેન્ટિલેટર અને અન્ય મેડિકલ ઉપકરણોની ઉણપ સામે ઝઝુમી રહ્યા છે. કોવિડ-19 ની સારવારમાં વેન્ટિલેટરની જરુર ત્યારે પડે છે કે જ્યારે દર્દી શ્વાસ ન લઈ શકતા હોય. આવા સમયમાં વેન્ટિલેટર દ્વારા તેમના ફેફસામાં ઓક્સિજન મોકલવામાં આવે છે.
વેન્ટિલેટર અત્યારે હવે લોકોના જીવન બચાવવાનું કામ કરી રહ્યા છે અને કોરોના વાયરસની સારવારમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. ત્યારે એક 90 વર્ષની મહિલાએ આનો ઉપયોગ કરવાનો ઈનકાર કરતા કહ્યું કે, મને વેન્ટિલેટર ન આપશો પણ મારી જગ્યાએ કોઈ યુવાનને આ વેન્ટિલેટર આપી તેનો જીવ બચાવી શકાશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, બેલ્જિયમના બિનકોમના રહેવાસી સુજેન હોયલાર્ટ્સે પોતાની સારવાર માટે વેન્ટિલેટર લેવાની ના પાડી દીધી અને બાદમાં તેમનું મોત થઈ ગયું.
વૃદ્ધ મહિલાએ કથિત રુપે ડોક્ટર્સને કહ્યું હતું કે, હું શ્વાસ લેવામાં કોઈ આર્ટિફિશિયસ પદ્ધતીનો ઉપયોગ કરવા નથી ઈચ્છતી. આને કોઈ યુવાન દર્દીની સારવાર માટે બચાવીને રાખો. હું પહેલા જ સારી જીંદગી જીવી ચૂકી છું.
પ્રાપ્ત વિગતો અનુસાર, સુજેનને ભૂખ ન લાગવા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત જણાયા હતા અને તેમને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા. જો કે, તેમની તબિયત બગડતી ગઈ અને બે દિવસ બાદ તેમનું મોત થયું.
