નવી દિલ્હીઃ પેરુમાં 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જે પછી સુનામી આવવાનું જોખમ છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પેરુના પશ્ચિમમાં અતિકિપા જિલ્લાથી 8.8 કિલોમીટર દૂર નોંધાયા પછી USGSએ તીવ્રતાનું રેટિંગ વધારી દીધું હતું. US જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે શુક્રવારના મધ્ય પેરુના તટ પર 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી કેટલાંક તટીય ક્ષેત્રોમાં સુનામી આવવાની સંભાવના છે.
આ ભૂકંપ શુક્રવારે સવારે બરાબર 11.06 વાગ્યે આવ્યો હતો. જોકે પેરુની સરકારે હજુ સુધી જાનમાલના નુકસાન અંગે સત્તાવાર માહિતી આપી નથી, પરંતુ સુનામીને લઈને સરકાર દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
પેરુમાં 7.2ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેણે દેશને હચમચાવી દીધો છે. સ્થાનિક અહેવાલો અનુસાર આ ભૂકંપ બાદ લોકો તેમનાં ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. તો બીજી તરફ, રસ્તાઓ પર દોડતાં વાહનો પણ આ ભૂકંપને કારણે અટકી ગયા હતા. આ ભયાનક ભૂકંપ બાદ અહીં સુનામીનો પણ ખતરો છે. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રે અગાઉ કહ્યું હતું કે કોઈ ખતરો નથી. ભૂકંપ બાદ એવી ચેતવણી આપવામાં આવી છે કે કેટલાક દરિયાકિનારા પર ત્રણ મીટર ઊંચા મોજાં ઊછળી શકે છે. પેરુમાં આ પહેલાં પણ 16 જૂને ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી હતી. જોકે, તે પછી પણ કોઈ જાનમાલનું નુકસાન થયું ન હતું.
પેરુમાં સ્થાનિક મિડિયાના અહેવાલો અનુસાર 7.2ની તીવ્રતાના જબરદસ્ત આંચકા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. જ્યાં રસ્તાઓ પર વાહનોની અવરજવર હતી ત્યાં ડરને કારણે લોકો ઊભા રહી ગયા હતા.