નવી દિલ્હીઃ હાલના દિવસોમાં પરપ્લેક્સિટી અને ગૂગલ ક્રોમ ભારે ચર્ચા છે અને તેનું મુખ્ય કારણ છે પરપ્લેક્સિટી AI દ્વારા ગૂગલના ક્રોમ બ્રાઉઝરને ખરીદવા માટે 34.5 અબજ ડોલર (લગભગ ₹3.02 લાખ કરોડ)નો આપેલો પ્રસ્તાવ છે. જ્યારથી પરપ્લેક્સિટી (Perplexity) AIના CEO અરવિંદ શ્રીનિવાસે ગૂગલ ક્રોમ ખરીદવામાં રસ દર્શાવ્યો છે, ત્યારથી તેઓ ટેક જગતમાં ચર્ચામાં છે. પરપ્લેક્સિટી AIની આ ઓફર ચોંકાવનારી છે, કારણ કે કંપનીની પોતાની વેલ્યુએશન માત્ર 14 અબજ ડોલર છે અને ક્રોમ તો ગૂગલની સૌથી મહત્વની પ્રોડક્ટ્સમાંની એક છે. માત્ર ત્રણ વર્ષ જૂની AI કંપની દ્વારા આ પ્રકારની ખરીદીની ઓફરે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
પરપ્લેક્સિટી AIનું વેલ્યુએશન ગૂગલ કરતાં ઓછું
અહેવાલ મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સ્ટાર્ટઅપ પરપ્લેક્સિટીએ ગૂગલના લોકપ્રિય બ્રાઉઝર ગૂગલ ક્રોમ ખરીદવા માટે 34.5 અબ ડોલર (લગભગ રૂ. 3 લાખ કરોડ)ની ઓફર આપી છે. રસપ્રદ વાત એ છે કે કંપનીની પોતાની વેલ્યુએશન આશરે 18 અબજ ડોલર આંકી છે, એટલે કે કંપનીએ પોતાની કિંમત કરતાં બમણાથી વધુ ઓફર કરી છે. જ્યારે પરપ્લેક્સિટીને પૂછવામાં આવ્યું કે તમારું વેલ્યુએશન તો ઓછું છે, ત્યારે કંપનીએ જણાવ્યું કે મોટા રોકાણકારો આ ડીલ પૂર્ણ કરવામાં મદદ કરશે.

હવે સવાલ એ છે કે ગૂગલને શું મજબૂરી છે કે ક્રોમ વેચવું પડે? અહેવાલ પ્રમાણે અમેરિકામાં ગૂગલ સામે ચાલી રહેલી એન્ટી-ટ્રસ્ટ કાર્યવાહીને કારણે ગૂગલ પોતાનું વેબ બ્રાઉઝર Chromeને વેચવા માટે મજબૂર થાય એવી શક્યતા છે.





