વલસાડ/સેવાના (અમેરિકા) – અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો છે. ગુજરાતના વલસાડ જિલ્લાના કલવાડાના મૂળ વતની ભીખુભાઈ પટેલ (60)ની અમેરિકાના જ્યોર્જિયા રાજ્યના સેવાના શહેરના ઓગીચી રોડ પર આવેલી એક મોટેલ (સ્ટેલિયન મોટેલ)માં હત્યા કરવામાં આવી છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, ગયા રવિવારે સાંજે પોલીસ અધિકારીઓ એમને એક ફોન કોલ મળ્યા બાદ બનાવની તપાસ માટે સ્ટેલિયન મોટેલ ખાતે ગયા હતા. મોટેલની ઓફિસના દરવાજા પર એમને એક નોંધ જોવા મળી હતી જેની પર લખ્યું હતું કે મેનેજર ઉપલબ્ધ નથી. તે નોંધ પર એક ઈમરજન્સી ફોન નંબર પણ લખવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું કે, તપાસ કરતાં મોટેલની એક રૂમમાં દરવાજા પાસે જ એમને એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો જેમને શેધમ કાઉન્ટી કોરોનરે ભીખુભાઈ પટેલ તરીકે ઓળખી કાઢ્યા હતા. એ ત્યાં મેનેજર તરીકે કામ કરતા હતા.
એક સ્થાનિક રહેવાસીએ કહ્યું કે મોટેલ ખાતે એને અમુક શંકાસ્પદ હિલચાલ થતી જણાતાં એણે 911માં ફોન કરીને જાણ કરી હતી. ત્યારબાદ શેધમ કાઉન્ટી પોલીસના અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. મોટેલની રૂમ-૯માંથી ભીખુભાઈ પટેલનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ભીખુભાઈ પટેલ મોટેલમાં પ્રોપર્ટી મેનેજર હતા અને મોટેલની મુખ્ય ઓફિસની બાજુમાં જ આવેલી રૂમમાં રહેતા હતા.
મોટેલમાં રહેતી અને પોતાનું નામ જાહેર કરવા ન માગતી એક મહિલાને એક અહેવાલમાં એવું કહેતા ટાંકવામાં આવી છે કે મોટેલનાં રહેવાસીઓને જણાવવામાં આવ્યું હતું કે એમણે રવિવાર સુધીમાં રૂમ ખાલી કરી દેવી અને મોટેલ હવે બંધ છે.
દરમિયાન, પોલીસે ઈમેન્યૂલ હાર્વી નામના એક યુવક અને એલેક્સીસ બ્રાઉન નામની યુવતીની શંકાના આધારે ધરપકડ કરી છે અને એમની પૂછપરછ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે તેઓ એકાદ-બે દિવસમાં જ આ કેસનો ઉકેલ લાવી દેશે.