ટેક્સને લઈને ટ્રમ્પે ભારત પર નિશાન સાધ્યું, કહ્યું ભારત છે “ટેરિફ કિંગ”

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્યાપાર મામલાઓને લઈને એકવાર ફરીથી ભારત પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે ભારત દુનિયામાં સર્વાધિક કર લગાવનારા દેશો પૈકી એક છે.

વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિએ નેશનલ રિપબ્લિકન કોંગ્રેશનલ કમીટિ એન્યુઅલ સ્પ્રિંગ ડિનરમાં કહ્યું કે ભારત હાર્લી-ડેવિડસન બાઈક સહિત અમેરિકી ઉત્પાદનો પર 100 ટકા ટેક્સ લગાવે છે. તેમણે કહ્યું કે આ પ્રકારે ટેક્સ લગાવવો યોગ્ય નથી. ટ્રમ્પે ભારત દેશને ટેક્સનો બાદશાહ ગણાવ્યો.

ટ્રમ્પે કહ્યું કે મને વડાપ્રધાન મોદીનો ફોન આવ્યો. તેઓ દુનિયામાં સૌથી વધારે ટેક્સ લગાવનારા દેશો પૈકી એક છે. તે આપણી ઉપર 100 ટકા ટેક્સ લગાવે છે. જ્યારે આપણે બાઈક મોકલીએ છીએ તો અમે કોઈ ટેક્સ લગાવતા નથી. પરંતુ તેઓ જેટલો ટેક્સ લગાવે છે તે વાત યોગ્ય નથી.

હકીકતમાં આર્થિક મોરચે અત્યારે ભારત અને અમેરિકા વચ્ચે તીખાશ ઝરી રહી છે. ગત મહિને અમેરિકાના ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારતને આપવામાં આવતી GSP સુવિધાને પાછી લેવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે ભારત હવે જે પ્રોડક્ટને અમેરિકામાં વેચશે તેના પર ટ્રમ્પ સરકાર ટેક્સ લગાવશે. ભારત સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકાના આ નિર્ણથી દેશ પર કોઈ અસર નહી પડે.

અમેરિકાએ જીએસપીની શરુઆત 1976માં કરી હતી. આનો ઉદ્દેશ્ય વિકાસશીલ દેશોમાં આર્થિક વૃદ્ધિ વધારવાનો હતો. આ અંતર્ગત પસંદગીના સામાનોને ડ્યૂટી-ફ્રી અથવા સામાન્ય ટેરિફ પર અન્ય દેશોને અમેરિકામાં નિર્યાત કરવાની મંજૂરી આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકાની વ્યાપારિક ખોટ વધી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની વ્યાપારના મોરચે કડકાઈ છતા પણ ગત વર્ષ દરમિયાન અમેરિકાની વ્યાપારિક ખોટ 10 વર્ષની ઉંચાઈ પર પહોંચી ગઈ હતી. તે 2018માં 12.5 ટકા વધીને 621 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]