જોહાનિસબર્ગઃ જોહાનિસબર્ગની પાસે બોક્સબર્ગ શહેરમાં એક સિલિન્ડરમાંથી ઝેરી ગેસનું ગળતર થવાને કારણે ત્રણ બાળકો સહિત કમસે કમ 16 લોકોનાં મોત થયાં છે, એમ પોલીસે એ માહિતી આપી હતી. ઇમર્જન્સી સેવાઓના જણાવ્યાનુસાર કમસે કમ 24 લોકોના માર્યા જવાની આશંકા છે. પોલીસ અને ઇમર્જન્સી સેવા દ્વારા બતાવવામાં આવેલી મૃતક સંખ્યા વચ્ચે તફાવત કેમ? એ હજી સ્પષ્ટ નથી.
પોલીસે જણાવ્યું હતું કે આ દુર્ઘટના જોહાનિસબર્ગના પૂર્વ વિસ્તારમાં બોક્સબર્ગ શહેરની એક વસતિમાં થયો હતો. ઇમર્જન્સી સેવાઓના પ્રવક્તા વિલિયમ નતલાડીએ જણાવ્યું હતું કે એન્જેલો વસતિમાં એક ઝૂંપડીમા રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરથી ગળતર થવાને કારણે એ દુર્ઘટના થઈ હતી. મૃતકોમાં ત્રણ બાળકોની વય 1, છ અને 15 વર્ષની હતી. તેમણે જણાવ્યું હતું કે બે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ગેસ ગળતર હવે બંધ થઈ ગયું છે અને બચાવ કર્મચારીઓ ઘટનાસ્થળે તપાસ કરી રહ્યા છે. નતલાડીએ કહ્યું હતું કે મૃતદેહો ઘટનાસ્થળ અને એની આસપાસ પડેલા છે. તેમણે જણાવ્યું હતું કે તપાસકર્તાઓ અને નિષ્ણાતો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બોક્સબર્ગમાં ગયા વર્ષે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ પેટ્રોલિયમ ગેસ લઈ જઈ રહેલો એક ટ્રક પૂલ નીચે ફસાઈ જવાથી અને વિસ્ફોટ થવાથી 41 લોકોનાં મોત થયાં હતાં. જોકે આ વિસ્તાર ગેરકાયદે ખનનથી જોડાયેલો છે, કેમ કે જોહાનિસબર્ગની આસપાસનાં ક્ષેત્રોમાં સોનાનો ભંડાર છે.