લોસ એન્જેલીસ – કેલિફોર્નિયા રાજ્યના લોસ એન્જેલીસ શહેરના વૈભવશાળીઓનાં મનાતા રહેણાંક ઉપનગર થાઉઝન્ડ ઓક્સમાં આવેલા ‘બોર્ડરલાઈન’ બારમાં બુધવારે મોડી રાતે ઘૂસીને એક અજાણ્યા શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરીને ઓછામાં ઓછા 12 જણનો ભોગ લીધો છે. હુમલો કરાયો ત્યારે મ્યુઝિક બાર અને ડાન્સ હોલમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતાં. મોટા ભાગનાં લોકો સગીર વયનાં વિદ્યાર્થીઓ હતા.
મૃત્યુ પામેલાઓમાં શેરીફના સાર્જન્ટ (સુરક્ષા અધિકારી)નો પણ સમાવેશ થાય છે. હુમલાખોરનું પણ મરણ નિપજ્યું છે. હુમલાખોર કેવી રીતે માર્યો ગયો એ તત્કાળ જાણી શકાયું નથી.
હત્યાકાંડમાં એક પોલીસ અધિકારી સહિત બીજા 11 જણ ઘાયલ પણ થયા છે.
હુમલો બુધવારે રાતે લગભગ 11.20 વાગ્યે થયો હતો. એ વખતે બોર્ડરલાઈન બાર એન્ડ ગ્રિલમાં સેંકડો લોકો હાજર હતાં.
બનાવ નજરે જોનારાઓએ કહ્યું કે હુમલાખોર ઊંચા કદનો હતો, એણે કાળો ડ્રેસ પહેર્યો હતો અને પોતાનો ચહેરો અડધો ઢાંકેલો રાખ્યો હતો. એણે પહેલા બારના દરવાજા પર ઊભેલા એક જણને ગોળી મારી હતી અને પછી અંદર ઘૂસી લોકો પર બેફામપણે ગોળીબાર કર્યો હતો.
લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી અને જાન બચાવવા માટે બારમાં નાસભાગ કરી મૂકી હતી.
થાઉઝન્ડ ઓક ઉપનગર લોસ એન્જેલીસ શહેરથી 64 કિ.મી. દૂર પશ્ચિમે આવેલું છે. એની વસ્તી આશરે 1,30,000 છે.