ઈઝરાયેલ : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈ ફ્લાઈટ 1073માં કોકપિટ પર થયેલા હુમલાને નિષ્ફળ બનાવી 172 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના જીવ બચાવનાર ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ઈઝરાયેલ સરકારે પોતાના સર્વોચ્ચ નાગરિક શૌર્ય પુરસ્કાર ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ ફોર સિવિલિયન હિરોઈઝમ’ આપવાની જાહેરાત કરી છે.
I was honored to award 6 Israeli heroes of the flydubai flight with the Presidential Award for Civilian Heroism.
I look forward to presenting the heroic Captain Smit Machchhar of India with the same award, once he fully recovers.
The people of Israel salute you all! https://t.co/GRNKNH69fI
— יצחק הרצוג Isaac Herzog (@Isaac_Herzog) October 9, 2026
ગત 30 સપ્ટેમ્બરના રોજ ફ્લાઈટ દરમિયાન કો-પાયલટ હમામ અલ-હમામી દ્વારા કેપ્ટન સ્મિત મચ્છર પર કોકપિટમાં જ છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કરાયો હતો. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે અસાધારણ હિંમત, પાયલટ કૌશલ્ય અને પ્લેનમાં સવાર ઇઝરાયેલી મુસાફરોના સહયોગથી વિમાનને અકસ્માતનો ભોગ બનતા બચાવી લીધું હતું.
યરુસલેમ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ખાસ સમારોહ દરમિયાન ઈઝરાયેલના રાષ્ટ્રપતિ આઈઝેક હરઝોગે આ બહાદુરીભર્યા કારનામાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેપ્ટન સ્મિત મચ્છરની અદ્ભુત હિંમત અને વ્યાવસાયિક સુઝબુઝને કારણે મોટી વિમાની દુર્ઘટના ટળી ગઈ હતી. હાલમાં તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સ્વસ્થ થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ હરઝોગે ઉમેર્યું કે, “જેવા કેપ્ટન મચ્છર પુરી રીતે સ્વસ્થ થશે, તેમને આ સર્વોચ્ચ નાગરિક શૌર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.”
આ સમારોહમાં હુમલાખોરને રોકવામાં મદદ કરનાર 6 અન્ય ઈઝરાયેલી મુસાફરોને પણ એવોર્ડ એનાયત કરાયા હતા. આ અગાઉ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ કેપ્ટન સ્મિત મચ્છરની અપ્રતિમ બહાદુરીને બિરદાવી હતી.




