ભારતીય નૌસેનાના એક્શનથી ભાગ્યા દરિયાઈ લૂંટારુઓ

સમંદરના સુલતાન ગણાતા ભારતીય નૌસેનાના જાંબાઝ જવાનોએ ફરી એકવાર વૈશ્વિક સ્તરે પોતાની તાકાત અને સતર્કતાનો લોખંડી પરચો આપ્યો છે. અદનની ખાડીમાં ભારતીય યુદ્ધપોત INS ત્રિકંડે દરિયાઈ લૂંટારુઓ ના એક મોટા અને હિંસક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત માટે અત્યંત મહત્વનો સામાન લઈને આવી રહેલા એક કોમર્શિયલ માલવાહક જહાજ તરફથી ઈમરજન્સી મદદ મળ્યા બાદ ભારતીય યુદ્ધપોતે તાત્કાલિક એક્શન લીધી હતી.

ભારતીય ક્રૂ મેમ્બરે તુરંત પ્રોટોકોલ લાગુ કર્યો

બુધવારની રાત્રે અદનની ખાડીમાં જે જહાજ પર દરિયાઈ ડાકુઓએ હુમલો કર્યો હતો તેનું નામ ‘MV ગોલ્ડન આર્સેનલ’  છે અને તેમાં એક ભારતીય ક્રૂ મેમ્બર પણ હાજર હતો. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, જહાજના સ્ટાફે લૂંટારુઓની શંકાસ્પદ હિલચાલ જોતાની સાથે જ તુરંત એન્ટી-પાયરેસી પ્રોટોકોલ લાગુ કરી દીધો હતો. ક્રૂ મેમ્બર્સના તમામ સભ્યો જહાજની અંદર બનેલા એક સુરક્ષિત રૂમ માં બંધ થઈ ગયા હતા અને ઇમરજન્સી કમ્યુનિકેશન સિસ્ટમ દ્વારા સત્તાવાળાઓને એલર્ટ મોકલી દીધો હતો. આ ખતરાની માહિતી મળતા જ તે વિસ્તારમાં તૈનાત INS ત્રિકંડે સમય ગુમાવ્યા વિના કટોકટીનો જવાબ આપ્યો અને જહાજ તરફ અત્યંત ઝડપથી કૂચ કરી.

માર્કોસ કમાન્ડોએ સંભાળ્યો મોરચો, જહાજ સંપૂર્ણ સુરક્ષિત

સૂત્રોએ જણાવ્યું કે, જેમ જ ભારતીય નૌસેનાનું શક્તિશાળી યુદ્ધપોત લૂંટારુઓથી ઘેરાયેલા જહાજની નજીક પહોંચ્યું, તેમ જ સશસ્ત્ર ચાંચિયાઓ જહાજ પર કબજો કરે તે પહેલાં જ ત્યાંથી પૂંછડી દબાવીને ભાગી છૂટ્યા હતા. આ ઘટના બાદ તુરંત જ ભારતીય નૌસેનાના ખતરનાક મરીન કમાન્ડો (MARCOS – માર્કોસ) ‘MV ગોલ્ડન આર્સેનલ’ પર ઉતર્યા હતા. માર્કોસ કમાન્ડોએ જહાજની સુરક્ષા ચકાસવા માટે સંપૂર્ણ સર્ચ અને સેનિટાઈઝેશન ઓપરેશન ચલાવ્યું હતું. તપાસ બાદ કમાન્ડોએ જહાજને સંપૂર્ણપણે સુરક્ષિત જાહેર કર્યું હતું. અહેવાલો અનુસાર, જહાજ કે તેના કોઈ ક્રૂ મેમ્બરને કોઈ ઈજા કે નુકસાન થયું નથી.

અદનની ખાડી અને ભારતીય નેવીનું મિશન

અદનની ખાડી વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ દરિયાઈ વ્યાપારી માર્ગોમાંની એક છે. ‘હોર્ન ઓફ આફ્રિકા’ ની નજીક હોવાને કારણે આ વિસ્તાર લાંબા સમયથી દરિયાઈ ચાંચિયાગીરીની પ્રવૃત્તિઓ માટે કુખ્યાત રહ્યો છે. આ આંતરરાષ્ટ્રીય માર્ગ પરથી પસાર થતા કોમર્શિયલ જહાજોની સુરક્ષા માટે ભારતીય નૌસેનાએ અહીં પોતાના ફ્રન્ટલાઈન યુદ્ધપોતો તૈનાત રાખ્યા છે.

છેલ્લા 2 વર્ષોમાં ભારતીય નૌસેનાએ અરબ સાગર અને અદનની ખાડીમાં આવા અનેક એન્ટી-પાયરેસી ઓપરેશન્સ સફળતાપૂર્વક પાર પાડ્યા છે અને ભારતીય નાવિકો તેમજ આંતરરાષ્ટ્રીય જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરીને દરિયાઈ લૂંટારુઓના દાંત ખાટા કર્યા છે.