‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટો વિડીયો ટ્રેડ ફેર 2026’: વેપાર સાથે સેવાનો સંકલ્પ

અમદાવાદ : ગુજરાતના મુખ્ય શહેરોમાં તમામ ધંધા રોજગાર ઉત્પાદનના ટ્રેડ ફેર મોટા પાયે થતા હોય છે. એમાંય અમદાવાદ અને ગાંધીનગરમાં આ ટ્રેડ ફેરની વિશાળતા જોવા મળે. શહેરના હેલ્મેટ સર્કલ પાસે આવેલું ગુજરાત યુનિવર્સિટી ક્ન્વેન્શન સેન્ટર..એક્ઝિબિશન સેન્ટર..

વિવિધ ટ્રેડ ફેરના આયોજનો માટે જાણીતી જગ્યા છે. જ્યાં હાલ ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટો વિડીયો ટ્રેડ ફેર 2026’ નું આયોજન કરવામાં આવ્યું છે.ફોટોગ્રાફી- વિડીયોગ્રાફીમાં શોધ સંશોધન સાથે ઝડપથી અનેક ફેરફાર થઇ રહ્યા છે. ઓડિયો વિઝ્યુઅલ ક્ષેત્રે દેશ દુનિયાએ હરણફાળ ભરી છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલી કંપનીઓ અને વેપારીઓના સંગઠનો દ્વારા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટો વિડીયો ટ્રેડ ફેર’ સાથે સંકળાયેલા વિપુલ ગજ્જર ચિત્રલેખા.કોમને કહે છે આ ટ્રેડ ફેર સાથે જોડાયેલા હોદ્દેદારો કાર્યકરોનો હેતું ફક્ત ધંધો વેપાર વધારવાનો જ નથી. પરંતુ સામાજિક જવાબદારી સમજી આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મદદ કરવાનો હેતુ પણ છે.

ફોટોગ્રાફી- વિડીયોગ્રાફી સાથે તમામ આયામો સાથે જોડાયેલા લોકોને સંકટ સમયે આ સંગઠન આર્થિક રીતે મદદરૂપ થવાનો પ્રયાસ કરે છે. આ ફેર યોજવાનું બીજુ કારણ એ પણ છે કે ઝડપથી બદલાતી ટેકનોલોજી સાથે ટ્રેડ સાથે જોડાયેલા લોકોનું સંકલન થાય.કેમેરા, લાઇટિંગ, પોડકાસ્ટ, પ્રિન્ટિંગ, સ્ટોરેજ, એસેસરિઝ સાથે અનેક સાધનો ચીજ વસ્તુઓ સ્ટોલ ટ્રેડ ફેરમાં જોવા મળે. જેમાંની મોટાભાગની ચીજવસ્તુઓની નિદર્શન સાથે વેચાણ પણ કરવામાં આવતું હોય છે.આ ટ્રેડમાં બાળકોની વિશિષ્ટ ચીજવસ્તુઓના વેપારી શૈલેષ ગોહીલ કહે છે ઓનલાઇન ટ્રેડના જમાનામાં આ પ્રકારના વિશાળ પ્રદર્શનથી વેપારીઓ અને ઉપભોક્તાને રૂબરૂ ડિઝાઇનર પ્રોડક્ટ્સ જોવાનો લાભ મળે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)