IND vs SL: શ્રીલંકા સામે કાળી પટ્ટી બાંધીને ઉતરી ભારતીય ટીમ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે હાથમાં કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રવિવારથી શરૂ થયેલી મહિલા ત્રિકોણીય વનડે શ્રેણીની પહેલી મેચમાં ભારત અને શ્રીલંકા એકબીજા સામે ટકરાશે. આ શ્રેણીની ત્રીજી ટીમ દક્ષિણ આફ્રિકા છે. આ ટુર્નામેન્ટ શ્રીલંકામાં રમાઈ રહી છે.

વરસાદને કારણે ત્રણ કલાક મોડી શરૂ થયેલી આ મેચમાં ભારત પ્રથમ બોલિંગ કરી રહ્યું છે. મેચ ૩૯-૩૯ ઓવરની કરવામાં આવી છે. શ્રી ચારણી અને કાશવી ગૌતમ ભારત માટે પદાર્પણ કરી રહ્યા છે. આ ટુર્નામેન્ટ ડબલ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાઈ રહી છે. ભારત પોતાની પહેલી મેચ શ્રીલંકા સામે રમી રહ્યું છે. ત્રણેય ટીમો ચાર-ચાર મેચ રમશે અને ટોચની બે ટીમો ફાઇનલ માટે ક્વોલિફાય થશે. બધી મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

મંગળવારે, પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ 26 લોકોની હત્યા કરી, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) માંથી અલગ થયેલા જૂથ, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલાની દુનિયાભરમાં સખત નિંદા કરવામાં આવી છે.