કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરી ટીમ ઇન્ડિયા, ઓડિશા ટ્રેન અકસ્માતમાં મૃતકોની યાદમાં 1 મિનિટનું મૌન પાળ્યું

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની બીજી આવૃત્તિની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલ મેદાન પર શરૂ થઈ ગઈ છે. આ મેચની શરૂઆત પહેલા બંને ટીમના ખેલાડીઓએ ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપતા 1 મિનિટનું મૌન પાળ્યું હતું. આ સિવાય બંને ટીમના ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને આ મેચમાં રમવા મેદાનમાં ઉતર્યા છે. ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોના મોત સાથે લગભગ 1000 લોકો ઘાયલ થયા છે. ભારતમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો ટ્રેન અકસ્માત છે.

 

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ બંને ટીમો વચ્ચે લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ રહી છે. ટોસ પછી જ્યારે બંને ટીમો રાષ્ટ્રગીત માટે મેદાનમાં આવી ત્યારે તેના પહેલા 1 મિનિટનો સમય રાખવામાં આવ્યો હતો.

ભારતીય ટીમે પ્લેઇંગ 11માં અશ્વિનનો સમાવેશ કર્યો નથી

આ મહત્વની મેચમાં લંડનના હવામાનને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમ 4 ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરી છે. રવિચંદ્રન અશ્વિનને આ મેચ માટે પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યો નથી. ટીમમાં એકમાત્ર મુખ્ય સ્પિન બોલર તરીકે રવિન્દ્ર જાડેજાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, શ્રીકર ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયા

ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમેરોન ગ્રીન, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.