IND vs AFG: ભારતે પ્રથમ T20માં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું

ભારતીય ટીમે મોહાલીમાં રમાયેલી પ્રથમ T20માં અફઘાનિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. 159 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 17.3 ઓવરમાં જ જીતી ગઈ હતી. ભારત માટે શિવમ દુબેએ 40 બોલમાં 5 ચોગ્ગા અને 02 છગ્ગાની મદદથી 60* રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સિવાય જીતેશ શર્માએ 31 રન બનાવ્યા હતા. આ દરમિયાન મુજીબે અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ 2 વિકેટ ઝડપી હતી. મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટે 158 રન બનાવ્યા હતા. મોહમ્મદ નબીએ ટીમ માટે 42 રનની સૌથી મોટી ઇનિંગ રમી જેમાં 2 ફોર અને 3 સિક્સ સામેલ હતી. પરંતુ નબીની આ ઇનિંગ ટીમને જીત અપાવી શકી નહીં.

 

159 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઈનિંગની પહેલી ઓવરના બીજા બોલ પર કેપ્ટન રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થયો હતો. ઓપનિંગ પાર્ટનર ગિલ સાથે યોગ્ય તાલમેલ જાળવી ન શકવાને કારણે રોહિત શર્મા રનઆઉટ થયો હતો. ત્યારબાદ બીજી વિકેટ માટે શુભમન ગીલે તિલક વર્મા સાથે 28 રનની ભાગીદારી કરી હતી. પરંતુ ગિલ પણ ક્રિઝ પર વધુ સમય વિતાવી શક્યો ન હતો અને ચોથી ઓવરમાં મુજીબ ઉર રહેમાનનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ત્રીજી વિકેટ માટે તિલક વર્મા અને શિવમ દુબેએ 44 રન (29 બોલ)ની ભાગીદારી કરી, જે 9મી ઓવરમાં તિલકની વિકેટ સાથે પૂરી થઈ. તિલક વર્માએ 22 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 26 રન બનાવ્યા હતા.

 

પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. આ દરમિયાન નબીએ 27 બોલનો સામનો કર્યો અને 42 રન બનાવ્યા. તેણે 3 સિક્સ અને 2 ફોર ફટકારી હતી. અઝમતુલ્લાએ 22 બોલનો સામનો કરીને 29 રન બનાવ્યા હતા. આ દરમિયાન ભારત તરફથી અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરી અને 2 વિકેટ ઝડપી. તેણે 4 ઓવરમાં 23 રન આપ્યા હતા. મુકેશ કુમારે 4 ઓવરમાં 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. શિવમ દુબેને પણ સફળતા મળી.