બ્રિટિશ હાઈ કમિશનરની PoK મુલાકાત પર ભારતે વ્યક્ત કર્યો ગુસ્સો!

ભારત સરકારે બ્રિટિશ હાઈ કમિશનરની પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની મુલાકાત સામે વિરોધ વ્યક્ત કર્યો છે. બ્રિટિશ હાઈ કમિશનરની આ મુલાકાતને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વાંધાજનક ગણાવી છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા આ સંબંધમાં એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડિતતાનું આ પ્રકારનું ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. વિદેશ સચિવે આ મામલે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર સમક્ષ પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વિદેશ સચિવના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો ભારતનો અભિન્ન અંગ છે અને રહેશે.

70 ટકા બ્રિટિશ પાકિસ્તાનીઓ મૂળ મીરપુરના

પાકિસ્તાનમાં બ્રિટનના હાઈ કમિશનર જેન મેરિયટે 10 જાન્યુઆરીએ ‘X’ પોસ્ટ પર મીરપુરની તેમની મુલાકાતની ઘણી તસવીરો શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે, બ્રિટન અને પાકિસ્તાનના લોકો વચ્ચેના સંબંધોનું હાર્દ મીરપુર તરફથી શુભેચ્છાઓ! 70 ટકા બ્રિટિશ પાકિસ્તાનીઓ મૂળ મીરપુરના છે, તેથી આપણા બધા માટે ડાયસ્પોરાના હિત માટે સાથે મળીને કામ કરવું મહત્વપૂર્ણ છે. તમારા આતિથ્ય માટે આભાર!”