બીજા તબક્કામાં 12 રાજ્યોની મતદાર યાદીની થશે SIR પ્રક્રિયાઃ EC

નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણી પહેલાં ચાલી રહેલી SIR પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચે કહ્યું હતું કે આ પ્રક્રિયા હવે દેશમાં થશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બીજા તબક્કામાં 12 રાજ્યોની મતદાર યાદીની SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે બિહારમાં મતદાર યાદીની વિશેષ સઘન સમીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે.

તેમણે જણાવ્યું કે SIRનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે. બિહારના સાડાસાત કરોડ મતદારો એમાં ઉત્સાહપૂર્વક જોડાયા. 90,000 BLO અને રાજકીય પક્ષોએ મળીને મતદાર યાદી શુદ્ધ બનાવવાનું કાર્ય કર્યું. બિહારની મતદાર યાદી હવે સંપૂર્ણ રીતે સ્વચ્છ બની ગઈ છે.

21 વર્ષ બાદ મતદાર યાદીનું શુદ્ધીકરણ

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું હતું કે મતદાર યાદીનું છેલ્લું શુદ્ધીકરણ 21 વર્ષ પહેલાં એટલે કે 2002-04 દરમિયાન થયું હતું. તેમણે કહ્યું કે આ બધાં વર્ષોમાં મતદાર યાદીમાં અનેક ફેરફાર જરૂરી બની ગયા છે, કારણ કે લોકોનું સ્થળાંતર થાય છે, જેને કારણે એકથી વધુ જગ્યાએ નામ રહે છે. મૃત્યુ પછી પણ કેટલાક લોકોનાં નામ યાદીમાં રહે છે.

મતદાર યાદી ફ્રીઝ કરવામાં આવશે

મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે જે રાજ્યોમાં SIR પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, ત્યાં આજ રાત્રે મતદાર યાદી ફ્રીઝ કરી દેવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે અત્યાર સુધી જેમનાં નામ મતદાર યાદીમાં છે, તેમને કોઈ દસ્તાવેજ બતાવવાની જરૂર નથી. એટલે કે જૂના SIR અને હાલની યાદીમાં જેમનું નામ છે, તેમને કોઈ કાગળ આપવાની જરૂર નહીં પડે.

SIR પ્રક્રિયા

આંદામાન-નિકોબાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરળ, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ.