ઓસ્ટ્રેલિયા સામે નાગપુરમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર પર્ફોમન્સ બતાવ્યું છે. ઈજા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહેલા રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયન ટીમના પ્રથમ દાવમાં પોતાની જોરદાર બોલિંગથી કુલ 5 વિકેટ ઝડપી હતી. પરિણામે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ માત્ર 177 રનમાં સમેટાઈ ગયો.
હવે પહેલા દિવસની રમતને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વીડિયો રવિન્દ્ર જાડેજાનો છે. આ વિડીયોમાં જોવા મળે છે કે જાડેજા બોલ ફેંકતા પહેલા સાથી ખેલાડી મોહમ્મદ સિરાજ પાસે જાય છે અને તેની પાસેથી કંઈક લે છે અને તેની આંગળીઓમાં નાખે છે. ઓસ્ટ્રેલિયાના મીડિયા આઉટલેટ Foxsports.com.auએ આ વીડિયો શેર કર્યો છે.
Loving it so far yes
— Tim Paine (@tdpaine36) February 9, 2023
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને ફોક્સ સ્પોર્ટની ટ્વીટ શેર કરતા લખ્યું, ‘તે પોતાની ફરતી આંગળી પર શું મૂકી રહ્યો છે? આવું ક્યારેય જોયું નથી. જે સમયે આ વીડિયો બન્યો છે તે સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર પાંચ વિકેટે 120 રન હતો. તે સમયે કાંગારૂ ટીમ તરફથી એલેક્સ કેરી અને પીટર હેન્ડ્સકોમ્બ બેટિંગ કરી રહ્યા હતા.
જાડેજાએ તેની આંગળીઓ પર શું મૂક્યું હતું તે સ્પષ્ટ નથી. પરંતુ ફૂટેજ જોઈને જણાય છે કે જાડેજાએ પોતાની આંગળીઓને આરામ આપવા માટે કોઈ મલમ લગાવ્યું હશે. જો કે, માઈકલ વોન અને ટિમ પેઈનની કમેન્ટ્સ દર્શાવે છે કે વિદેશી ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયન મીડિયાને જાડેજાની સફળતા પસંદ નથી આવી અને તેમણે એક રીતે ભારતીય ક્રિકેટર પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવવાનો પ્રયાસ કર્યો છે.
What is it he is putting on his spinning finger ? Never ever seen this … #INDvsAUS https://t.co/NBPCjFmq3w
— Michael Vaughan (@MichaelVaughan) February 9, 2023
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ટિમ પેને પણ આ અંગે ટિપ્પણી કરી હતી. ટિમ પેને લખ્યું, ‘ઇન્ટરેસ્ટિંગ.’
શું ઓસ્ટ્રેલિયન મીડિયા કેપટાઉન ટેસ્ટને ભૂલી ગયું?
જો જોવામાં આવે તો બોલ ટેમ્પરિંગને લઈને વિદેશી ખેલાડીઓનો જૂનો ઈતિહાસ છે. 2018માં, દક્ષિણ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં બોલ ટેમ્પરિંગ માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા સ્મિથ અને ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કેમરન બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ટેસ્ટ ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું કે બોલ ટેમ્પરિંગ માટે બે ખેલાડીઓ પર એક-એક વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
જાડેજા ઈજા બાદ પરત ફર્યો
જાડેજા લાંબા સમય બાદ મેદાનમાં પરત ફર્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે એશિયા કપ દરમિયાન જાડેજાને ઘૂંટણની ઈજા થઈ હતી, ત્યારબાદ તે ક્રિકેટની રમતમાંથી બહાર થઈ ગયો હતો. પ્રથમ ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાએ કુલ 47 રનમાં પાંચ વિકેટ લીધી હતી. જાડેજાએ તેની ટેસ્ટ કારકિર્દીમાં 11મી વખત એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી છે. પહેલા દિવસની રમતની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના 177 રનના જવાબમાં ભારતે સ્ટમ્પના સમય સુધી એક વિકેટે 77 રન બનાવી લીધા હતા.