અમદાવાદ: ભાદરવા સુદ ચૌદસ અનંત ચતુર્દશીએ ગણેશોત્સવના પંડાલમાંથી ગણપતિના વિસર્જનનો દિવસ. ગણેશજીની શહેરમાં નાની-મોટી હજારો મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યુ હતું. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં મહાનગર પાલિકાએ ખુલ્લા પ્લોટમાં તેમજ રિવરફ્રન્ટ પર ગણેશ વિસર્જન કુંડ તૈયાર કર્યા.ઈકો ફ્રેન્ડલી ગણેશ માટેના પાટિયા પણ મુક્યા. ગણેશોત્સવની ઉજવણી દરમિયાન ઉપયોગમાં લીધેલ ચીજવસ્તુઓને મુકવા માટે પ્લાસ્ટિકના અલગ-અલગ બીન્સ પણ મુક્યા. શણગારની વસ્તુઓ, પૂજામાં ચઢાવેલા ફૂલ-પત્તા, પડિયા-પ્રસાદના બોક્ષને વાપર્યા પછી ક્યાં મુકવું એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. આ સાથે પાણીના કુંડ બહાર સાવધાનીના પાટિયા પણ મુકવામાં આવ્યા.આ ગણેશોત્સવમાં નાની મૂર્તિઓનું પ્રમાણ વધારે હતું. મોટી મૂર્તિઓના વિસર્જન માટે ખાસ ક્રેઈન મુકવામાં આવી હતી.અમદાવાદ શહેરમાં કોઈપણ બનાવ ન બને એ માટે વિસર્જનના માર્ગો પર તેમજ કુંડ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)