બિહારના બક્સરમાં ખેડૂતોનો વિરોધ, પોલીસે ઘરમાં ઘુસીને માર્યો માર

સંપાદિત જમીનના યોગ્ય વળતરની માંગ સાથે વિરોધ કરી રહેલા ખેડૂતને પોલીસે ઘરમાં ઘુસીને માર માર્યો હતો. મંગળવારે ચૌસા થર્મલ પાવર પ્લાન્ટના મુખ્ય દ્વાર પર ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા. મંગળવારે મોડી રાત્રે પોલીસ ખેડૂતોના ઘરમાં ઘૂસી ગઈ અને જે પણ મળે તેને માર મારતી રહી. મહિલાઓ પણ બક્ષી ન હતી. ઘરમાં જ લાકડીઓનો વરસાદ થયો. મારપીટનો વીડિયો પણ સામે આવ્યો છે.

બુધવારે પણ આંદોલનકારી ખેડૂતો રોષે ભરાયા હતા. વિરોધ કરતાં ખેડૂતોએ પોલીસનું વ્રજ વાહન સળગાવી દીધું હતું. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે એરિયલ ફાયરિંગ પણ કરવું પડ્યું હતું. રોષે ભરાયેલા ખેડૂતોએ પોલીસ અને પાવર પ્લાન્ટ પર લાકડીઓ અને સળિયા વડે હુમલો કર્યો હતો. પોલીસના વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપવામાં આવી હતી. એટલું જ નહીં પાવર પ્લાન્ટના ગેટને પણ આગ ચાંપી દેવામાં આવી હતી.

વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો

ઉશ્કેરાયેલી ભીડને જોઈને પોલીસે હવામાં ફાયરિંગ કરીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. હવે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. આ દરમિયાન ખેડૂત અને પોલીસ વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. હાલ પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે.

મંગળવારે ખેડૂતોએ પાવર પ્લાન્ટના મુખ્ય ગેટ પર જ પ્રદર્શન કર્યું હતું. આ અંગે મંગળવારે રાત્રે લગભગ 12 વાગ્યા બાદ પોલીસ તેમના ઘરમાં ઘુસી હતી. ખેડૂતો અને મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. આ લડાઈનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલામાં ઘટનાની જાણકારી મળતા જ એસપી મનીષ કુમાર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે.