ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ચૂંટણી પરિણામોમાં સૂપડા સાફ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીના મોટા માથા કહેવાતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા ખરાબ રીતે હાર્યા છે. આમ આદમી પાર્ટીએ 2022 ની ચૂંટણી આ ત્રણેય ઉમેદવારોના દમ પર લડી હતી, પરંતું આ ત્રણેય ઉમેદવારો ગુજરાતની જનતા પર જાદુ ન કરી શક્યા. તો બીજી તરફ, જ્યાં આશા ન હતી ત્યાં આપનુ ઝાડું ફર્યુ છે. જામજોધપુર અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે.
ઈસુદાન ગઢવીની હાર
આમ આદમી પાર્ટીએ જેમને મુખ્યમંત્રીનો ચહેરો તરીકે માર્કેટિંગ કર્યું, અને જામખંભાળિયાથી ચૂંટણી લડાવી, એ જ ઈસુદાન ગઢવી ભુંડી રીતે હાર્યાં છે. ભાજપના ઉમેદવાર ઈસુદાન ગઢવી સામે 25 હજાર લીડથી આગળ છે.
Gujarat poll results: AAP candidate Isudan Gadhvi trailing, BJP's Hardasbhai leads
Read @ANI Story | https://t.co/dI19DowlMW#Gujaratpoll #AAP #IsudanGadhvi pic.twitter.com/wzfPF49kMa
— ANI Digital (@ani_digital) December 8, 2022
ગોપાલ ઈટાલિયાની હાર
ગોપાલ ઈટાલિયા આપના પ્રદેશ અધ્યક્ષ હતા, જેઓ કતારગામથી મેદાને ઉતર્યા હતા. પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા સામે જીતી ન શક્યા. આહી ગોપાલ ઈટાલિયાને હારનો સામનો કરવો પડ્યો છે. ગોપાલ ઇટાલિયાને 45242 મત મળ્યા છે. જ્યારે વિનુ મોરડિયાને 96469 મત મળ્યા છે. આ સાથે ભાજપ ઉમેદવાર વિનુ મોરડિયાએ 15 રાઉન્ડના અંતે 51 હજારથી વધુ મતની લીડ નોંધાવી છે. કતારગામ બેઠક પર આપને જીતની આશા હતી. પરંતુ આપની આશા ઠગારી નીવડી.
અલ્પેશ કથીરિયાની હાર
તો કાકા કહીને કુમાર કાનાણી સામે પડનાર અલ્પેશ કથીરિયાને વરાછા બેઠક પર હારનો સામનો કરવો પડ્યો છે. વરાછા બેઠક પર અલ્પેશ કથીરિયાની હાર બાદ ડાયલોગ ઉઠ્યો કે, કાકા સામે ભત્રીજાની હાર. આ બેઠક પર પણ આપની મજબૂત પકડ હોવાનુ ચર્ચાતુ હતુ, પરંતુ અંતે કુમાર કાનાણીની જીત થઈ. વરાછા બેઠક પર ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીને 17 રાઉન્ડના અંતે 66785 મત મળ્યા હતા. તેની સામે અલ્પેશ કથીરિયાને 50031 મત મળ્યા છે. જોકે, બહુ જ ઓછા માર્જિનથી કુમાર કાનાણી જીત્યા છે.
આપની ક્યાં ક્યાં જીત
જામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. અહી આપના ઉમેદવાર આહિર હેમંતભાઈનો વિજય થયો છે. તેઓને 55 હજારથી વધુ મતો મળ્યા હતા અને બીજા ક્રમે રહેલ ભાજપ ઉમેદવાર ચીમનભાઈને તેઓએ પછાડ્યા હતા. તેમણે 49% ટકા અને ભાજપના ઉમેદવાર ચીમનભાઈએ 38% થી વધારે મત મેળવ્યા હતા. બોટાદમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણાની જીત થઈ છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર ભાયાણીનો વિજય થયો છે. તો બે બેઠક પર હજી પણ આમ આદમી પાર્ટી લીડમાં છે.