ગાંધીનગર: કોવિડનો સમય દરેક વ્યક્તિ માટે અઘરો રહ્યો છે. ખાસ કરીને ખુબ જ મહેનત કરીને IIT જેવી સંસ્થામાં જવાનું તમારૂં સપનું પૂરું થયું હોય ત્યારે. બીજી જ ક્ષણે તમને ખબર પડે કે તમને પ્રવેશ તો મળી ગયો છે પરંતુ તમે તમારી ડ્રીમ કોલેજમાં જઈ નહીં શકો ત્યારે. આવું જ કંઈક ચાર વર્ષ પહેલાં કેટલાંય વિદ્યાર્થી સાથે થયું હતું. કોવિડના સમયમાં લોકડાઉન આવતાં વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઈન એક વર્ષ કરતાં વધારે સમય સુધી અભ્યાસ કરવો પડ્યો હતો. હાલમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર તેની આગામી બેંચના વિદ્યાર્થીઓને આવકારવા માટે તૈયાર છે. પરંતુ તે પહેલાં નજર કરીએ 2024માં પાસ આઉટ થઈ રહેલાં વરદ સરદેશપાંડેની સંસ્થામાં ચાર વર્ષની સફર પર. કારણ કે વરદ કોવિડ જેવાં અઘરાં સમયમાં સંસ્થાના કલ્ચરલ સેક્રેટરી પદે રહ્યા હતા. તેમણે પોતાના બેંચના વિદાય સમારંભમાં હાલના વિદ્યાર્થીઓ સાથે કરેલ વાર્તાલાપ પર એક નજર કરીએ..
પ્રશ્ન: તમે COVID-19ના સમયમાં IIT-GNમાં પ્રવેશ મેળવ્યો હતો. આથી તમે આ દરમિયાન તમારી સામાન્ય કેમ્પસ લાઇફ ઈન્જોય કરી શક્યા નથી. તમારા માટે તે અનુભવ કેવો હતો?
વરદ સરદેશપાંડે: કોવિડ-19ની ફર્સ્ટ વેવ દરમિયાન IITમાં શરૂઆત કરવી પડકારજનક હતી. મેં નાનપણથી જ IIT જીવન જોયું છે, મારા પિતા IIT બોમ્બેમાં પ્રોફેસર હતા. પરંતુ કોવિડ સમયે વિદ્યાર્થી તરીકે કેમ્પસ જીવનનો તરત જ અનુભવ ન કરવો તે થોડુંક અજુગતું હતું. જો કે, સંસ્થાએ ધીમે-ધીમે સ્પેશિયલ કેસના આધારે વિદ્યાર્થીઓ માટે કેમ્પસમાં પ્રવેશ શરૂ કર્યો હતો. આથી અમારામાંથી કેટલાંક વિદ્યાર્થીઓ તરત જ અહીં આવ્યા હતા. જો કે અગાઉની બેચની તુલનામાં અમારી વચ્ચે વાતચીત શરૂઆતમાં ઓછી થતી હતી.
IIT-GN એ ઓનલાઈનથી ઓફલાઈન વર્ગોમાં વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ કરી?
અમારા બીજા વર્ષ દરમિયાન દરેક વિદ્યાર્થીને કેમ્પસમાં બોલાવવામાં આવ્યા હતા. આથી, અમે અમારા બીજા વર્ષને જ અમારું પ્રથમ વર્ષ માનીએ છીએ. કારણ કે અમે વાસ્તવમાં એકબીજાને પ્રથમ વખત રૂબરૂ જોયા હતા. તે જ સમયે IIT-GN ના ટ્રેડમાર્ક ‘ફાઉન્ડેશન પ્રોગ્રામ’ એ અમારી અંદર સમુદાયની ભાવનાને જાગૃત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ પ્રોગ્રામ દ્વારા અમને બધાંને એકબીજા સાથે ભરપૂર વાતો કરવાની તક મળી. સાથે જ અમે પોતાના ઘરે જ હોઈએ તેવો અહેસાસ પણ થયો.
ઘણાં પ્રોફેસરોનું કહેવું છે કે કોવિડ સમયે વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતચીત કરતાં ડરતા હતા. શું તમે પણ આવો જ અનુભવ કર્યો હતો?
હા સાચી વાત છે. શરૂઆતમાં, વિદ્યાર્થીઓ એકબીજા સાથે વાતચીત કરતા અચકાતા હતા. જે મેં મારા સિનિયર્સ પાસે કેમ્પસ વિશે સાંભળેલી વાતોથી એકદમ જ અલગ વાતાવરણ હતું. જ્યારે હું મારા ફર્સ્ટ યરમાં હતો ત્યારે હું પોતે પણ મારા બેચમેટ્સ સાથે વાતચીત કરી શકતો ન હતો. જો કે સેકન્ડ યરમાં જ્યારે અમે કેમ્પસમાં આવ્યા ત્યારે અમે એકબીજા સાથે વાતો કરવામાં એટલાં મશગૂલ થઈ ગયા કે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવાનું ભૂલી ગયા. મારા કલ્ચરલ સેક્રેટરી તરીકેના કાર્યકાળ દરમિયાન આ એક ફરિયાદ મેં જૂનિયર્સ પાસેથી સાંભળી છે કે સિનિયર્સ અમારે સાથે ઈન્ટરેક્ટ કરતા નથી.
ફરિયાદ બાદ તમે ક્યાં પ્રકારના પગલાં લીધાં?
સાંસ્કૃતિક સચિવ તરીકે, મેં એવા કાર્યક્રમો યોજવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું કે જેમાં ઓછા ટેલેન્ટની પરંતુ વધુ વાતચીત કરવા મળે. અમે ઘણા ઓપન માઈક્સ કાર્યક્રમનું આયોજન કર્યું. ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો અને અમારી પ્રવૃત્તિઓ વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું. વાસ્તવમાં હું માનતો હતો કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી કોવિડના કારણે લોકો વચ્ચે વધી ગયેલી ગેપને દૂર કરી શકાય છે. આ પ્રકારની એક્ટિવીટિથી વધુ લોકો જોડાયેલાં રહે તો કેમ્પસ લાઈફને વધુ પ્રોત્સાહન મળે છે.
તમારા આ ચાર વર્ષોમાં કોઈ એવી ઘટના કે દિવસ જે તમને જીવનભર યાદ રહેશે?
અમે આખા વર્ષ દરમિયાન એક ટીમ તરીકે 60થી વધુ ઈવેન્ટ્સનું આયોજન કર્યું. પરંતુ મારા માટે દિવાળી ખુબ જ અલગ અનુભવ રહ્યો હતો. એ સમયે અમે ખુબ જ ઓછાં લોકો કેમ્પસમાં હતા અને અમારી પાસે મર્યાદિત સંસાધનો હોવા છતાં, અમે દિવાળીને યાદગાર રીતે ઉજવવા માટે કટિબદ્ધ હતા. સામાન્ય દિવસોમાં બહારથી આવીને લોકો અમારી હોસ્ટેલને શણગારે છે. પરંતુ તે સમયે અમે ઈન્ટર કેમ્પસ ડેકોરેશન કોમ્પિટિશન રાખી હત. જેમાં વિદ્યાર્થીઓએ જ બધું કામ કરવાનું હતું. અમે કેમ્પસની સાથે-સાથે પંચાયત સર્કલને પણ રંગોળી અને રોશનીથી સજાવ્યું હતું. ત્યારે ત્યાંથી પસાર થતાં લોકો પણ અમને પૂછતાં હતા કે તેઓ કેવી રીતે અમને મદદ કરી શકે છે. તે એક અદ્ભુત સમય હતો. જ્યાં કેમ્પસની અંદર રહેતાં અમારા સિવાય પણ સામાન્ય લોકો અમને મદદ કરવા માટે આતુર હતા. તે દિવાળી મારી માટે યાદગાર બની ગઈ.
તમારા મતે આ સંસ્થાનો શ્રેષ્ઠ ભાગ શું છે?
વાસ્તવમાં ઘણી વસ્તુઓ છે. IIT-GN એ ખૂબ જ લિબરલ સંસ્થા છે. વધુમાં, ફેકલ્ટી તમે જે કંઈ કરો છો તેમાં અત્યંત સહાયક છે. તમને અહીં મળેલી શૈક્ષણિક તાલીમ ખુબ જ મૂલ્યવાન છે. અહીં તમને ભણવા સિવાયની પણ ઘણી વસ્તુઓ શીખવીને એક સક્ષમ વ્યક્તિ બનાવે છે અને તમારો આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરે છે.
તમે વર્તમાન વિદ્યાર્થીઓને કંઈ કહેવા માગો છો?
ચાર વર્ષના અંતે તમારે કોઈ પસ્તાવો ન કરવો જોઈએ. તમારો એકમાત્ર હેતુ શ્રેષ્ઠ નોકરી અથવા સૌથી મૂલ્યવાન શૈક્ષણિક ડિગ્રી મેળવવા માત્રનો ન હોવો જોઈએ. પરંતુ તમારી આખી ચાર વર્ષની સફરથી તમને કંઈક શીખ્યાનો સંતોષ થવો જોઈએ.