ચેમ્પિયન્સ ટ્રોફી : ICCની બેઠક, ભારત-પાકિસ્તાન મુદ્દો ઉકેલાશે?

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પાકિસ્તાનની યજમાનીમાં રમવાની છે. ટુર્નામેન્ટનું શિડ્યુલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. ટીમ ઈન્ડિયાએ કથિત રીતે ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઈન્કાર કરી દીધો છે, જેના કારણે શેડ્યૂલ જાહેર કરવામાં વિલંબ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ICCએ આ મુદ્દાને ઉકેલવા માટે બોર્ડની બેઠક યોજવાનો નિર્ણય કર્યો છે.

અહેવાલ મુજબ, ICC દ્વારા શુક્રવાર, 29 નવેમ્બરના રોજ બોર્ડ મીટિંગ યોજાવાની છે. આ બેઠકમાં ચેમ્પિયન્સ ટ્રોફીના શેડ્યૂલ પર ચર્ચા થવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફી ફેબ્રુઆરી 2025 માં શરૂ થવાની છે, પરંતુ સત્તાવાર સમયપત્રક હજુ જાહેર કરવામાં આવ્યું નથી.

મીટિંગમાં તમામ સભ્યોને ઉકેલ માટે મત આપવા માટે કહેવામાં આવી શકે છે. બોર્ડમાં 12 પૂર્ણ સભ્ય દેશોના પ્રતિનિધિઓ, એસોસિએટ્સના ત્રણ પ્રતિનિધિઓ, ICC પ્રમુખ અને CEO સાથે એક સ્વતંત્ર ડિરેક્ટરનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ ભારત સરકારે ટીમને પાકિસ્તાનના પ્રવાસની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. બીજી તરફ, પાકિસ્તાન એ વાત પર અડગ છે કે તે ટૂર્નામેન્ટનું આયોજન તેના દેશમાં કરશે. જો ટૂર્નામેન્ટ માટે હાઇબ્રિડ મોડલ અપનાવવામાં આવે તો ભારત અથવા દક્ષિણ આફ્રિકાને યજમાન બનાવવામાં આવી શકે છે.

ભારતે છેલ્લે 2008માં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી

નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ છેલ્લે એશિયા કપ માટે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવને જોતા ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનનો પ્રવાસ બંધ કરી દીધો હતો. આ પછી ધીમે-ધીમે બંને ટીમો વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણી પણ બંધ થઈ ગઈ. જોકે, પાકિસ્તાનની ટીમે ભારતનો પ્રવાસ ચાલુ રાખ્યો હતો. પાકિસ્તાનની ટીમ 2008થી અનેક વખત ભારતની મુલાકાતે આવી છે. પાકિસ્તાને 2023માં રમાયેલા ODI વર્લ્ડ કપમાં પણ ભારતનો પ્રવાસ કર્યો હતો.