હ્યોગો-ગુજરાત સિસ્ટર સ્ટેટ ભાગીદારીની ૧૦મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ

અમદાવાદ: જાપાનના ઓનરરી કોન્સલ દ્વારા હ્યોગો-ગુજરાત સિસ્ટર સ્ટેટ ભાગીદારીની ૧૦મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાપાનના હ્યોગો પ્રિફેક્ચરના ૨૬ સભ્યોના ઉચ્ચ સ્તરીય વ્યાપારી પ્રતિનિધિમંડળ સાથે એક ખાસ ઇન્ટરેક્ટિવ સત્ર પણ યોજાયું હતું. આ પ્રતિનિધિમંડળમાં હ્યોગો ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હ્યોગો પ્રિફેક્ચરલ ગવર્નમેન્ટ, જેટ્રો કોબે અને કોબે સ્ટીલ, સિસમેક્સ, ફુજી ડેટા સિસ્ટમ્સ જેવી અગ્રણી કંપનીઓ જોડાયા હતા.ઓનરરી કોન્સલ મુકેશ પટેલે કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન આપ્યું. તેમણે જણાવ્યું કે, ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિંઝો આબેની ઉપસ્થિતિમાં આ ઐતિહાસિક કરાર થયા હતા. આ સિવાય તેમણે વાઇબ્રન્ટ ગુજરાતના પ્રમોશન માટે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગામી જાપાન મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ઇન્ડેક્સબી (iNDEXTb)ના મેનેજિંગ ડિરેક્ટર કે.સી. સંપતે જણાવ્યું હતું કે જાપાન ૨૦૦૯થી વાઇબ્રન્ટ ગુજરાતનું પ્રથમ ભાગીદાર દેશ રહ્યું છે. આજે ગુજરાતમાં ૩૫૦થી વધુ જાપાનીઝ કંપનીઓ કાર્યરત છે અને ધોલેરા, ખોરજ તથા માંડલ ખાતે સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી તકો ઊભી થઈ રહી છે.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ૧૦મી વર્ષગાંઠના અધિકૃત લોગોનું વિધિવત અનાવરણ હતું, જે બંને રાજ્યો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધો અને આગામી દાયકા માટેની નવીન પ્રતિબદ્ધતા દર્શાવે છે.