ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે

ભારતના ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ શનિવારે કચ્છમાં અને રવિવારે અમદાવાદ-ગાંધીનગરમાં આવશે. તેમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરીને ગુજરાતનો પ્રવાસ આરંભશે. તથા કચ્છના કંડલામાં અને ગાંધીનગરના સરઢવમાં જાહેરસભાને સંબોધશે.

શનિવારે તેઓ કચ્છમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરશે

શુક્રવારે લોકસભાનું ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ ભારતના ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. શનિવારે તેઓ કચ્છમાં કોટેશ્વર મહાદેવના દર્શન કરીને ભારત-પાકિસ્તાન સરદહે નિરીક્ષણ કરશે. રવિવારે તેઓ સંસદિય મતક્ષેત્રમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસના કાર્યક્રમોમાં સામેલ થશે. ગૃહમંત્રી અમિત શાહના સત્તાવાર કાર્યક્રમ અંગેની માહિતી ઉપલબ્ધ થઈ નથી પરંતુ, તેઓ શુક્રવારે રાતે દિલ્હીથી સીધા કચ્છ પહોંચશે. જ્યાં નારાયણ સરોવર પાસેના કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ સરહદી ક્ષેત્રોમાં ક્રિક વિસ્તારોમાં નિરીક્ષણ અને સલામતી વ્યવસ્થાઓની સમિક્ષા કરશે.

કડંલા ખાતે ઈફ્કોના નેનો ફર્ટિલાઈઝર પ્લાન્ટનુ ઉદ્દઘાટન કરશે

બાદમાં કડંલા ખાતે ઈફ્કોના નેનો ફર્ટિલાઈઝર પ્લાન્ટનુ ઉદ્દઘાટન કરશે. જ્યાં એક જાહેરસભાનું પણ આયોજન થઈ રહ્યુ છે. કચ્છની મુલાકાત દરમિયાન તેઓ ભૂજ ખાતે જેઆઈસીની પણ મુલાકાત લેશે અને જિલ્લા ભાજપના પદાધિકારીઓ સાથે આગામી લોકસભા ચૂંટણી લક્ષી બેઠક યોજશે તેમ જાણવા મળ્યુ છે. બીજા દિવસે તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં વિકાસકાર્યોના લોકાપર્ણના કાર્યક્રમોમાં સામેલ થશે. ગાંધીનગર સંસદિય મતક્ષેત્રમાં રાંધેજામાં હોસ્પિટલ અને સરઢવ ગામે નાગરિક સુવિધાઓના કામોના લોકાપર્ણનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.