‘ચર્ચા માટે સંસદમાં આવો’, SIR મામલે અમિત શાહનો રાહુલ ગાંધીને વળતો જવાબ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)એ કોંગ્રેસ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) પર નિશાન સાધ્યુ છે. હરિયાણાના કરનાલમાં ભાજપની ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ રેલીને સંબોધતા અમિત શાહે કોંગ્રેસની ચૂંટણીમાં થતી હાર અને SIR મુદ્દે વિપક્ષના આરોપોનો વળતો જવાબ આપ્યો હતો.

હરિયાણાના કરનાલમાં ભાજપની રેલી દરમિયાન અમિત શાહે કહ્યું કે, ‘2014માં SIR ક્યાં હતું? ત્યારે પણ કોંગ્રેસ હારી હતી. 2019 અને 2024માં પણ SIR નહોતું, છતાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. હરિયાણા અને મહારાષ્ટ્રમાં પણ SIR નહોતું, છતાં કોંગ્રેસ હારી ગઈ.’

SIR મુદ્દે રાહુલ ગાંધીને સીધો પડકાર

અમિત શાહે રાહુલ ગાંધીને પડકાર ફેંકતા કહ્યું કે, જો તેઓ ખરેખર SIR મુદ્દે ચર્ચા કરવા માગતા હોય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખે. આ મુદ્દે ચર્ચા કરવા માટે સરકાર સંસદનું વિશેષ સત્ર બોલાવવા તૈયાર છે. તેમણે કોંગ્રેસના એક કરોડ મતદારોનાં નામ હટાવવાના આરોપો પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

રાહુલ ગાંધીના નેતૃત્વ પર પ્રહાર

અમિત શાહે કોંગ્રેસની ચૂંટણીમાં સતત થતી હારનો ઉલ્લેખ કરીને કહ્યું કે, રાહુલ ગાંધી જ્યારે કોંગ્રેસના મહાસચિવ બન્યા ત્યારે પાર્ટી પાસે 1200 ધારાસભ્યો હતા. ત્યારબાદ ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ બન્યા ત્યારે ધારાસભ્યોની સંખ્યામાં ઘટાડો થયો. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ સતત નબળી પડી રહી છે, જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ મજબૂત બની રહી છે.

પોતાના સંબોધનમાં અમિત શાહે કબડ્ડીની રમતનું ઉદાહરણ આપીને વિપક્ષ પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, સતત હારનો સામનો કર્યા બાદ રેફરીને જ ‘ચીટર’ જાહેર કરી દેવાની રણનીતિ અપનાવવામાં આવે છે. તેમના મતે, રાહુલ ગાંધી પણ ચૂંટણીમાં હાર બાદ આવી જ દલીલો કરી રહ્યા છે.