બાંગ્લાદેશમાં હિન્દુ નેતાની અપહરણ પછી હત્યા

નવી દિલ્હીઃ ઉત્તરીય બાંગ્લાદેશમાં એક હિન્દુ નેતાના અપહરણ કર્યા પછી તેમની અજાણ્યા લોકોએ હત્યા કરી દીધી હતી. બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લાના બાસુદેવપુર ગામમાં રહેતા ભાવેશ ચંદ્ર રોય (58)નું ગુરુવારે બપોરે તેમના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમને માર મારીને હત્યા કરવામાં આવી હતી.

તેઓ બાંગ્લાદેશ પૂજા ઉદ્યાપન પરિષદના બિરાલ એકમના ઉપપ્રમુખ હતા. હિન્દુ સમુદાયમાં તેમનો ભારે પ્રભાવ હતો. ભાવેશ ચંદ્ર રોયની પત્ની શાંતાનાએ જણાવ્યું હતું કે ગુરુવારે સાંજે લગભગ 4:30 વાગ્યે તેમના પતિને એક ફોન આવ્યો. ફોન કરનાર ફક્ત એ જાણવા માગતો હતો કે ભાવેશ ઘરે છે કે નહીં. લગભગ અડધા કલાક પછી, બે બાઇક પર ચાર માણસો તેમના ઘરે આવ્યા અને ભાવેશને બળજબરીથી લઈ ગયા હતા.

પ્રત્યક્ષદરશીના જણાવ્યા અનુસાર તેમને નજીકના નારાબારી ગામમાં લઈ જવામાં આવ્યા અને ત્યાં તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો. ગુરુવારે સાંજે જ હુમલાખોરોએ ભાવેશને બેભાનાવસ્થામાં વાનમાં તેના ઘરે મોકલી દીધો. તેમને પહેલા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પછી દિનાજપુર મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

બિરાલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અબ્દુસ સબુરે જણાવ્યું કે આ મામલે કેસ નોંધવાની તૈયારી ચાલી રહી છે. તેમણે કહ્યું હતું કે પોલીસ શંકાસ્પદોની ઓળખ કરવા અને ધરપકડ કરવા માટે તપાસ કરી રહી છે. ભાવેશની પત્ની શાંતાનાએ કહ્યું કે તે બે હુમલાખોરોને ઓળખી શકે છે.

ભારતે બાંગ્લાદેશને લાલ આંખ કરતાં લઘુમતીઓ પર ધ્યાન આપવા કહ્યું હતું. ભારતે બાંગ્લાદેશને પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા પર નૈતિક ઉપદેશ આપવાને બદલે તેના દેશમાં લઘુમતીઓના રક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું.