હૈદરાબાદઃ તેલુગુ એક્ટર અલ્લુ અર્જુનને તેલંગાણા હાઇકોર્ટે વચગાળાના જામીન આપ્યા છે. તેની પુષ્પા 2 ધ રૂલ ફિલ્મના પ્રીમિયર દરમ્યાન થયેલી ધક્કામુક્કીમાં એક મહિલાના મોતના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુનના ફેન્સ માટે રાહતના સમાચાર છે. આ પહેલાં નીચલી કોર્ટે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો, પરંતુ તેલંગણા હાઈકોર્ટે પુષ્પા ફેમ અભિનેતાને વચગાળાના જામીન આપ્યા છે.હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન અલ્લુ અર્જુનના વકીલે દાવો કર્યો હતો કે એક્ટરની ધરપકડ માત્ર સનસની ફેલાવવા માટે થઈ છે. જ્યારે તેની જરૂર નહોતી. સુનાવણીમાં જજે પૂછ્યું કે શું અભિનેતા વિરુદ્ધ BNS ની કલમ 105 (B) અને 108 હેઠળ કેસ દાખલ કરી શકાય છે. શું તે આ ઘટના માટે જવાબદાર છે? તેના પર સરકારી વકીલે કહ્યું હતું કે અલ્લુ અર્જુન એક્ટર જરૂર છે, પરંતુ તે હવે આરોપી છે. માત્ર તેમની હાજરીને કારણે થિએટરમાં ભાગદોડ થઈ હતી, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી.ભાગદોડમાં મૃત્યુ પામેલા મહિલાના પતિનું કહેવું છે કે તે કેસ પરત લેવા તૈયાર છે. રેવતીના પતિ અને તેના પરિવારનું કહેવું છે કે તે અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ પરત લેવાનો વિચાર કરી રહ્યા છે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારને 25 લાખની મદદ કરવાની જાહેરાત પણ અભિનેતાએ કરી હતી. એવું જણાય છે કે આ કારણે મહિલાનો પરિવાર કેસ પરત લેવાનું વિચારી રહ્યો છે.
હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં દક્ષિણ ભારતના સુપરસ્ટાર અને પુષ્પા 2 ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જૂનની ફિલ્મ ચોથી ડિસેમ્બરે પુષ્પા 2 ફિલ્મની રિલીઝની પૂર્વ સંધ્યા પર સંધ્યા થિયેટરમાં એક વિશેષ સ્ક્રીનિંગનું આયોજન થયું હતું. અહીં એડવાન્સ ટિકિટ ખરીદીને લોકો ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતા. ત્યારે અલ્લુ અર્જૂનની ટીમ અચાનક પહોંચી ગઈ. જેવો તે થિયેટરમાં પહોંચ્યો કે તેના પ્રશંસકો મોટી સંખ્યામાં તેને જોવા માટે ઊમટી પડ્યા હતા. જેના કારણે ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો. જેના કારણે અલ્લુ અર્જુન અને અન્ય પર અપરાધિક બેદરકારીનો આરોપ લાગ્યો.