ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી

ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવવાનો છે. રાજ્યમાં અઠવાડિયા દરમિયાન વરસાદી માહોલ સાથે કરા પડવાની અને ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે. જેમાં આગામી 8 મે, 2025 સુધી કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 5-6 મેના રોજ વીજળીના કડાકા-ભડાકા સાથે માવઠું અને પવન ફૂંકાશે.

ગુજરાતમાં 7 દિવસ દરમિયાન વરસાદની સાથે કરા પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે એક ટ્રફ એક્સ્ટેન્ડ થઈ રહ્યો છે. જે ટ્રફ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી લઈને દક્ષિણ ભારતમાં તામિલનાડુ સુધીનો છે, જેની ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક પર અસર જોવા મળી શકે છે. જેના કારણે અમદાવાદના હવામાન કેન્દ્ર પરથી ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આજના દિવસે એટલે કે 3 મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને તેને બાદ કરતા ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.


કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના અમરેલી તથા ભાવનગરમાં હળવી મેઘગર્જના સાથે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આગામી અઠવાડિયે વરસાદ થવાની શક્યતાઓ છે. રાજ્યના 12 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની હવમાન વિભાગે ચેતવણી આપી છે.

આવતીકાલે રવિવારે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે.