મુંબઈના NCPA(નૅશનલ સેન્ટર ફૉર ધ પર્ફૉર્મિંગ આર્ટ્સ) ખાતે ફરીથી ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ `વસંત`નું આયોજન કરવામાં આવી રહ્યાં છે. આગામી 25થી 27 એપ્રિલ સુધી એમ ત્રણ દિવસ માટે આ મહોત્સવ યોજવામાં આવ્યો છે.
`વસંત` ગુજરાતી નાટક મહોત્સવની શરૂઆત 2011માં થઈ હતી. ત્યારથી લઈ આજ સુધી આ ફેસ્ટિવલમાં હંમેશા વિવિધ પ્રકારના નવીનતમ વિષયો સાથેના નાટકોનું મંચન થયું છે. આ ગુજરાતી થિયેટર ફેસ્ટિવલમાં દર્શકોને વિચારશી, મૌલિક, ભાવનાત્મક અને પ્રાયોગિક ગુજરાતી નાટકો માણવા મળશે. વસંતે અપરંપરાગત ગુજરાતી થિયેટરને પ્રોત્સાહન આપ્યું છે, જે પ્રાદેશિક થિયેટરની ઉજવણી કરવા અને સતત વિકસતા ગુજરાતી ભાષી સમુદાય સાથે જોડાવા માટે NCPA ની મુખ્ય પહેલોમાંની એક બની છે.
આ વર્ષની આવૃત્તિ ઘણા વર્ષોના વિરામ પછી ફેસ્ટિવલની વાપસી દર્શાવે છે અને પ્રાદેશિક અવાજોનું સન્માન કરવાની NCPA ની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરે છે. નવા નાટકો, બોલચાલના પ્રદર્શન, કવિતા અને વર્કશોપનો સમાવેશ કરતા એક સારગ્રાહી કાર્યક્રમ સાથે, વસંત 2025 ગુજરાતી થિયેટરના વારસાને શ્રદ્ધાંજલિ અને સમકાલીન દ્રષ્ટિકોણનું પ્રદર્શન બંને છે.
ગુજરાતી થિયેટર ફેસ્ટિવલ `વસંત`ની શરૂઆત ‘ક્લિન બોલ્ડ’ નાટકથી થશે. ‘ક્લિન બોલ્ડ’ નાટકની વાર્તાની વાત કરીએ વિજી નામની મહિલા જે સમાજના અનેક પિતૃસત્તાક નિર્ણયોને પડકારે છે. મનોજ શાહ દ્વારા દિગ્દર્શિત આ નાટક નારીવાદની સાથે જ સાહસિક સંદેશો આપે તેવું છે. બીજા દિવસે જાણીતા નાટ્ય નિર્માતા સૌમ્ય જોશીના’થોડી કવિતા થોડું નાટક થોડાં ગીતો’થી માહોલ જામશે. જેમાં સૌમ્ય જોશીની સૌથી વિખ્યાત કૃતિઓ,જેમ કે તેમનું કોક સ્ટુડિયો ભારત હિટ “ખલાસી” પણ સામેલ છે. આ સિવાય અન્ય એક કૃતિ છે `પત્ર મિત્રો – અ સ્ટોરી ટોલ્ડ થ્રુ લેટર્સ`. જે નૌશીલ મહેતા દ્વારા એ.આર. ગુર્નીના ક્લાસિક લવ લેટર્સનું ગુજરાતી રૂપાંતર છે. આ નાટક કલ્પના અને જવાહરના જીવનભરના પત્રવ્યવહારને દર્શાવે છે.
ત્યાર બાદ ત્રીજા દિવસની શરૂઆત નાટ્યકાર અને પટકથા લેખક અમાત્ય ગોરાડિયા દ્વારા યોજાનારી વર્કશોપ `ધ ફન્ડામેન્ટલ્સ ઑફ રાઇટિંગ`થી થશે. નવા અને ઉભરતા લેખકો માટે આ ઇન્ટરેક્ટિવ વર્કશોપ નવા વિચારોને વાર્તાઓમાં પરિવર્તિત કરવામાં મદદ કરશે. અંકિત ગોર દ્વારા લેખિત અને નિર્દેશિત `થ્રી મૅન`નાટકનું પણ મંચન થશે. ડાર્ક કૉમેડી આ નાટકમાં પુરુષત્ત્વ અને ભાઈ-બહેન વચ્ચેના તાણ જોવા મળશે.બે છૂટા પડી ગયેલા સાવકા ભાઈઓ તેમના પિતાના મૃત્યુ બાદ ફરી ભેગા થાય છે અને પછી શું થાય એ જાણવા જેવું છે.
આ ઉપરાંત ફેસ્ટિવલમાં મહિલા કેન્દ્રિત નાટકો પણ માણવા મળશે. સૌમ્ય જોશીનું `ઓહ વુમનિયા…!’, જિજ્ઞા વ્યાસ દ્વારા સોલો પર્ફોમન્સ કરવામાં આવશે. મુંબઈ જતી ટ્રેનના સેટ સાથે રસપ્રદ વાતચીતની રજૂઆત તમને ગમશે. ઇસ્મત ચુગતાઈની વાર્તાઓથી પ્રેરિત આ રચના કલારીપયટ્ટુ પર આધારિત કોરિયોગ્રાફી સાથે માણી શકાશે. તેમજ આ થિયેટર ફેસ્ટિવલનું સમાપન વિપુલ મહેતા દ્વારા લેખિત `એકલવ્ય`સાથે થશે.
