અમદાવાદ-ગુજરાતમાં ભાજપના પ્રચારમાં વધુ જોશ ઉમેરાશે. ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ગુજરાતમાં લોકસભા બેઠક માટે પ્રચાર માટે આવી પહોંચ્યા છે. યોગી આજે ગાંધીનગરમાં ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં હાજરી આપવા ઉપરાંત અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં જાહેર સભાને સંબોધશે.
ઘાટલોડિયાના પ્રભાત ચોક ખાતેના સંબોધનમાં યોગી આદિત્યનાથ કેન્દ્રની પાંચ વર્ષની સિદ્ધિઓનો ઇતિહાસ કહેશે મોદી સરકારે લોકો માટે કેવા કામો કર્યા કેવા પ્રકારની યોજનાઓ લાવી તેની માહિતીઓ આપશે તેમ જ લોકોને સમજાવશે કે દેશના વિકાસ માટે મોદી સરકારની હજુ જરૂરિયાત છે.
યોગી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ રાજ્યમાં પ્રચાર કરી ચૂક્યા છે. ગુજરાતમાં યોગીને લોકોમાં ભારે આકર્ષણ છે. ભાજપ 27 માર્ચ સુધીમાં રાજ્યના તમામ લોકસભા વિસ્તારોમાં સંમેલન કરશે. 26 માર્ચે એટલે કે આજે ગાંધીનગરમાં સંમેલન બાદ 27 માર્ચે તમામ લોકસભા બેઠકો પર એક સાથે સંકલ્પ સંમેલન યોજાશે.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે આગામી 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે. બીજેપી અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગરથી ઉમેદવાર જાહેર કરાયા બાદ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, BSP સુપ્રીમો માયાવતી પણ ગુજરાતની રાજકીય પિચ પર રમવા માટે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી છે. આગામી 17 એપ્રિલના રોજ અમદાવાદમાં માયાવતી જાહેર સભાને સંબોધન કરશે. રાજ્યમાં બસપાના 1 લાખ રજિસ્ટર્ડ કાર્યકર્તા છે, પાર્ટી 26 સીટો પર ડોર ટુ ડોર અને બૂથ સંપર્ક ઝૂંબેશ શરુ કરશે.