અમદાવાદ- શહેરમાં આવેલું મોટેરા સ્ટેડિયમ ટૂંક સમયમાં જ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. જેમાં આશરે સવા લાખ લોકો બેસીને મેચ નિહાળી શકશે. ત્યારે મોટેરા સ્ટેડિયમની ડ્રોન ઈમેજ પણ સામે આવી છે. મહત્વનું છે કે, હાલમાં ઓસ્ટ્રેલિયાનાં મેલબોર્નમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે. ત્યારે હવે અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર થશે.
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પરિમલ નાથવાણીએ ટ્વિટ કરીને આ સ્ટેડિયમના નિર્માણની તસવીરો શેર કરી હતી. આ સ્ટેડિયમ 2019માં બનીને તૈયાર થઈ જશે.
પરિમલ નાથવાણીએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે આ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમ કરતા પણ મોટુ સ્ટેડિયમ હશે. આ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનું ડ્રીમ પ્રોજેક્ટ છે અને આ પુરુ થયાં પછી દેશ માટે ગર્વનું પ્રતીક બનશે. 63 એકર ક્ષેત્રમાં ફેલાયેલા આ સ્ટેડિયમમાં એક લાખથી વધારે દર્શકો બેસીને મેચનો આનંદ ઉઠાવી શકશે. આ પ્રોજેક્ટનો ખર્ચ લગભગ 700 કરોડ રુપિયા છે. આ સ્ટેડિયમ બનાવવાનું કામ એલએન્ડટી કંપનીને આપવામાં આવ્યું છે. મોટેરામાં ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ સિવાય એક ઇન્ડોર એકેડમી પણ બનશે. આ સ્ટેડિયમની ડિઝાઈન પ્રખ્યાત આર્કિટેક્ટ પોપુલસે કરી છે. જેણે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પણ ડિઝાઈન કર્યું છે.
આ સ્ટેડિયમમાં 3000 કાર અને 10,000 મોટર સાઇકલ પાર્ક કરાઈ શકાશે. આ સિવાય સ્ટેડિયમના ક્લબ હાઉસમાં 55 રુમ, એક સ્વિમિંગ પૂલ અને 76 કોર્પોરેટ બોક્સ પણ હશે. આ સ્ટેડિયમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપા અધ્યક્ષ અમિત શાહનો ડ્રીમ પ્રોજેક્ટ પણ માનવામાં આવી રહ્યો છે.