અનોખો વિશ્વવિક્રમઃ 7500 યુવા મતદારોનું એકસાથે ‘ઓનલાઇન રજિસ્ટ્રેશન’

અમદાવાદ-  બ્રિટન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સંસ્થા દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાંડે, ગુજરાત યુનિવર્સિટી કુલપતિ હિમાંશુ પંડ્યા તથા રેડિયો સીટી આર. જે. હર્ષિલને ૭૫૦૦ ફર્સ્ટ ટાઈમ વોટરની ઓનલાઇન નોંધણી કરી વિશ્વ વિક્રમ સ્થાપવા બદલ સંયુક્ત પ્રમાણપત્ર એનાયત કરાયું.  વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ ના પ્રતિનિધિ દિવ્ય ત્રિવેદી દ્વારા આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

ડૉ. વિક્રાંત પાંડે જણાવ્યું કે આ પ્રમાણપત્ર સ્વીકારતા રાજ્ય ચૂંટણીપંચ ખુબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે. દેશના ચૂંટણીપંચે પણ આ ઉપલબ્ધિની નોંધ લીધી છે. તથા આ પહેલથી ગુજરાત યુનિવર્સિટી અને શહેરના યુવાવર્ગે દેશને એક નવી રાહ ચીંધી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામા કુલ 1,01000 એક લાખ એક હજાર ઓનલાઇન રજીસ્ટ્રેશન થયાં છે. જેમાંથી ૭૫૦૦નું પ્રથમ વખત રજીસ્ટ્રેશન એક જ સ્થળે અને એક જ સમયે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી કુલપતિ હિમાંશુ પંડ્યા યુવાવિકાસ લક્ષી તમામ કાર્યોમાં વહીવટીતંત્રને સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.