ઉનાળા વેકેશનને પૂર્ણ થવાના આડે હવે ગણતરિના દિવસો બાકી છે. ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસમાં છે કે શાળાઓ ક્યારે શરૂ થઈ રહી છે. કારણ કે આજકાલ અફવાઓ ચાલી રહી છે કે ઉનાળું વેકેશન લંબાવવામાં આવ્યું છે. જોકે ગુજરાત બોર્ડ દ્ધારા આ બાબતે સ્પષ્ટાતા કરવામાં આવી છે કે શાળોઓમાં નવું શૈક્ષણિક સત્ર 13મી જૂનથી શરૂ થશે.
ગુજરાતમાં આ વખતે ગરમીના પ્રકોપાના કારણે રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકાર ગ્રૂપ દ્વારા માંગ કરવામાં આવી હતી કે શાળાઓ 13મી જૂનના બદલે 20મી જૂનથી શરૂ કરવામાં આવે. જોકે આ અંગે હવે ગુજરાત શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના DEO કચેરીના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વેકેશનની તારીખ લંબાવવામાં નહીં આવે.
અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આ મામલે જણાવ્યું હતું કે, ‘વાલીઓએ આવી ખોટી માહિતીથી દોરવાઈ જવું નહીં. વેકેશનની મુદત એક સપ્તાહ વધારવા માટેની એક અરજી શાળા સંચાલક મંડળ દ્વારા કરવામાં આવી હતી પરંતુ શાળાઓ રાબેતા મુજબ જ શરૂ થઈ રહી છે.
નોંધનીય છે કે ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને આકરી ગરમીને કારણે વેકેશન લંબાવવા પત્ર લખ્યો હતો. જેમાં હીટવેવના કારણે શાળાના વેકેશનનો સમય એક અઠવાડિયા લંબાવવા રજૂઆત કરી હતી. સાથે જ લોકસભાની ચૂંટણી કારણે નવી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અરજીઓનો નિર્ણય પડતર હોવાની રજૂઆત કરી હતી. શાળાઓ 13 જૂનના બદલે 20 જૂને શરુ કરવા ભલામણ કરી હતી.
જોકે હવે શાળાઓમાંથી પણ વાલીઓના વોટ્સએપ ગ્રુપ પર નવું શૈક્ષણિક સત્ર 13 જૂનથી શરૂ થઈ રહ્યું છે એવા મેસેજ આવવાના શરૂ થઈ ગયા છે. માટે અફવાઓનો અંત આવતા વિદ્યાર્થીઓ પણ 13 જૂન અને ગુરુવારે શાળાએ જવાની તૈયારી કરવામાં લાગી ગયા છે.