અમદાવાદથી અંદાજે 18 કિલોમીટરના અંતરે આવેલું પીરાણા ગામ હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાતું. જો કે પીરાણા ગામ સાથે જોડાયેલી દરગાહ અને મંદિર હાલ વિવાદોના કારણે ચર્ચામાં છે. ત્યારે જાણીએ આ વિવાદો થાય છે કેમ? શું છે પીરાણાનો ઇતિહાસ?
માત્ર અમદાવાદીઓ માટે જ નહીં પરંતુ ગુજરાત અને બહારના રાજ્યો માટે પણ પીરાણા હંમેશા ધાર્મિક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. દાયકાઓથી અહીં હિંદુ-મુસ્લિમ ઈશ્વર અને અલ્લાહની બંદગી કરતા આવ્યા છે. જો કે એની સાથે આ સ્થળ વિવાદોમાં પણ રહે છે.
પીરાણાનો ઈતિહાસ
પીરાણા ગામના ઈતિહાસની વાત કરીએ તો અહીં લગભગ દર ત્રીજું ઘર મુસ્લિમ સમુદાયનું છે. 600 વર્ષ જૂની આ દરગાહ એક સમયે હિંદુ-મુસ્લિમની એકતાનું પ્રતીક ગણાતી હતી. 1939માં આ સ્થળે પીરાણા ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટમાં 11 હિંદુ અને 3 મુસ્લિમ ટ્રસ્ટીઓ છે. હિન્દુ ટ્રસ્ટીઓ સતપંથી અને મુસ્લિમ સૈયદ ટ્રસ્ટીઓ સદાત તરીકે ઓળખાય છે. આમ તો હજરત પીર ઇમામશાહ બાવા વિશે અનેક કથાઓ છે પણ એમના જીવન વિશે સતપંથ શાસ્ત્ર, તવારીખે-એ-પીર અને ગુજરાતના ઓલિયાઓ એમ ત્રણ પુસ્તકોમાંથી સંકલિત કરીને ઇમામશાહી સાદાત કમિટિએ ફુરકે ઇરાકી અલ હુસૈની પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 600 વર્ષ પહેલાં ઇમામશાહ બાવા સતપંથના પ્રચાર માટે ગુજરાત આવ્યા હતા. ત્યારે મહમદ બેગડાએ એમની સાથે ગુસ્તાખી કરી હતી. ઇમામશાહ બાબા એ સમયે નારાજ થયા ત્યારે મહમદ શાહ બેગડો ડરી જતા એમને એક બળદગાડું આપ્યું હતું. પુસ્તકમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એમણે જ્યાં મુકામ કર્યો ત્યાં સતપંથી ધર્મના લોકોમાં ધીરે ધીરે વધારો થયો. ઇમામશાહ બાબાની પીર તરીકે ખ્યાતી થઈ. કહેવાય છે કે પીર પરથી જ આ જગ્યાનું નામ પીરાણા પડ્યું છે. આ પીરના વંશજોની એક દરગાહ ખંભાત અને પાટણમાં છે. જ્યાં કુંભાર, કાછીયા, ગોળ, કડિયા, મોઢ ઘાંચી, કંદોઈ અને ભાવસાર જેવા અનુયાયીઓ છે.
વિવાદની શરૂઆત
1992માં દેશમાં થયેલી હિંસા બાદ પીરાણાના મુસ્લિમોને 1993માં દરગાહમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા હતા. જેની સામે કોર્ટમાં કેસ થયો હતો અને મુસ્લિમોને પ્રવેશ નહીં આપવા પર સ્ટે ઑર્ડર આપ્યો હતો. 2002ની હિંસા પછી અહીં તારની વાડ બનાવવામાં આવી હતી. 2020માં બાબા રોઝા સંસ્થાએ રિનોવેશનની મંજૂરી માંગી હતી. તત્કાલીન કલેક્ટરે સ્ટ્રક્ચરના ઢાંચામાં કોઈ ફેરફાર કાર્ય વગર રિપેર કરવાની મંજૂરી આપી હતી. પરંતુ 20 જાન્યુઆરી, 2022માં અહીં તારની વાડની જગ્યાએ દીવાલ બનવાનું શરૂ થતાં વિવાદની શરૂઆત થઈ. ત્યાર પછી 16 માર્ચ 2022ના દિવસે દરગાહ સંકુલમાં ભગવાનની મૂર્તિઓ લગાડી દેવામાં આવી. જેના કારણે ફરી વિવાદ શરૂ થયો.
હવે તાજેતરમાં જ પીરાણા દરગાહમાં કબરોને સમાધી બનાવી દેવાનો કિસ્સો અને મૂર્તિઓને નુકશાન પહોંચાડવાનો કિસ્સો સામે આવતા ત્યાંના બે જૂથ સામ સામે આવી ગયા. જો કે અત્યારે પીરાણાની સ્થિતિ પોલીસ વિભાગના કાબુમાં છે. પરંતુ ત્યાંના રહીશો, અને વેપાર કરતા લોકો માટે વારંવાર થતા આવા વિવાદો મુશ્કેલી ઉભી કરે છે.