અમદાવાદઃ રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. શનિવારના રોજ સુરેન્દ્રનગર 42 ડિગ્રી ગરમી સાથે સૌથી ગરમ શહેર નોંધાયું હતું. તો બીજીતરફ અમદાવાદમાં પણ ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આગામી 3 દિવસ અમદાવાદીઓને ગરમીથી રાહત મળે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં આગામી 9-10 એપ્રિલના રોજ તાપમાનમાં વધારો થઈ શકે છે અને સાથે જ હિટવેવની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
શનિવારે 42 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર હોટેસ્ટ શહેર રહ્યું હતું તો, 41.9 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ બીજુ સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદ અને અમરેલીનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું જ્યારે વડોદરાનું 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગર અને ભૂજનું તાપમાન 40.4 અને 40 ડિગ્રી અનુક્રમે નોંધાયું હતું. અરબી સમુદ્રમાંથી આવતા ભેજ વાળા પવનોના કારણે તાપમાનમાં આંશિક ઘટાડો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી જેના કારણે અમદાવાદ શહેરનું તાપમાન ઓછું થયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં દક્ષિણ પશ્ચિમી દિશાનો પવન ફૂંકાઈ રહ્યો હોવાના લીધે ગરમીમાં ઘટાડો નોંધાયો છે. આગામી 3 દિવસ સુધી તાપમાન વધવાની શક્યતાઓ નહીવત્ત છે પરંતુ 9-10 એપ્રિલના રોજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છમાં હિટ વેવની શક્યતા છે.