લગ્નની મહેંદી પણ સુકાઈ નહોતી ને ફરજ પર પહોંચ્યા મહિલા પોલીસકર્મી

મોરબી: દરેક વ્યક્તિના જીવનમાં લગ્નનું એક ખાસ મહત્વ હોય છે અને તેમાં પણ સ્ત્રી માટે તો લગ્ન એટલે આખી જીંદગીનું સંભારણુ. દરેક વ્યક્તિને દામ્પત્ય જીવનની શરુઆત સાથે અનેક અરમાનો અને સપનાઓ હોય છે. અહીં એક એવી ફરજનિષ્ઠ મહિલાની વાત છે કે જેણે લગ્ન કરીને તમામ અરમાનો અને સપનાઓનો ત્યાગ કરીને આ મુશ્કેલ સમયમાં પોતાની ફરજ બજાવી છે.

વાંકાનેર તાલુકા પોલીસ મથકના મહિલા પોલીસ કર્મચારીએ લગ્ન માટે ફક્ત એક જ દિવસની રજા રાખીને તેઓ બીજા દિવસે ફરજ પર હાજર થયા હતા. મહેંદી ન સુકાઇ અને મિંઢોળ ન છૂટયા ત્યાં લગ્નના બીજા દિવસે લોકડાઉનની ફરજ માટે હાજર થતાં તેમની નિષ્ઠાપૂર્વકની ફરજ જોઈને તમામ સ્ટાફે તેમને બિરદાવ્યા હતા.

વાંકાનેર તાલુકા પોલીસના એલ.આર.ડી. પ્રફુલાબા (પુજાબા) હસુભા પરમારના લગ્ન ૧૭-૦૫-૨૦૨૦ ના રોજ ટંકારા આર્યસમાજ ખાતે પરિવારજનોની ઉપસ્થિતિમાં યોજાયા હતા. જોકે લગ્ન બાદ સામાજિક રીતરિવાજ અને નવા પરિવારમાં જવાનું હોવાથી મહિલા પોલીસ કર્મચારીઓને સરકાર તરફથી લગ્નની થોડા દિવસોની રજા મળતી હોય છે.

પરંતુ પુજાબાએ હાલના કોરોના વાઈરસની મહામારીને લઈને લાગુ કરાયેલા લોકડાઉનમાં પોતાની જવાબદારીનું મહત્વ સમજીને લગ્નની સરકાર તરફથી મળેલી રજા ઉપર સ્વેચ્છાએ કાપ મુકયો હતો. તેઓએ લગ્નમાં એક જ દિવસની રજા રાખી હતી.

વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. આર. પી. જાડેજા અને સ્ટાફે મળી પુજાબાનું અભિવાદન કર્યું હતું અને કોરોનાની મહામારી વખતે ખરા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થયેલા આ મહિલા પોલીસ કર્મચારીની ફરજનિષ્ઠાને બિરદાવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]