અમદાવાદઃ રાજ્યભરમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે ગઈ કાલે કોરોનાને લીધે 35 દર્દીઓનાં મોત થયાં હતાં, જે પાછલા 10 મહિનામાં આ સૌથી મોટો આંક છે. કોરોનાનો શિકાર બનેલા દર્દીઓના ફોટો અને વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.
અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં ગઈ કાલ રાતથી કોવિડ દર્દીઓનો સતત ભરાવો થઈ રહ્યો છે અને દર્દીઓને દાખલ કરવામાં પણ લાંબું વેઇટિંગ ચાલી રહ્યું છે. ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં પણ મોટા ભાગના બેડ હવે ભરાઈ ચૂક્યા છે. કોરોનાની સ્થિતિના પુરાવા સિવિલ હોસ્પિટલમાં લાગેલી 108ની એમ્બ્યુલન્સ વાનની લાઇન આપી રહી છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પણ ગઈ કાલે સ્વીકાર્યું હતું કે કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. જેને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટાં શહેરોમાં કોરોના સંક્રમિત દર્દીઓને દાખલ કરવા માટે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર એક નવી જવાબદારી
સુરતમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની ગઈ છે. સુરતમાં કોરોનાના નવા 960 દર્દી નોંધાયા છે. શહેરમાં કોરોના અને એ સિવાય પણ થતા મોતોને લીધે સ્મશાનોમાં મૃતદેહોને અગ્નિદાહ આપવામાં વેઇટિંગ ચાલી રહ્યું છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર એક નવી જવાબદારી સોંપવામાં આવી છે. પાલિકાએ કર્મચારીઓના ઓર્ડર સ્મશાનમાં કર્યા છે જ્યાં 24 કલાક ફરજ બજાવીને મૃતદેહની ગણતરી કરવી પડશે.
અમદાવાદ અને સુરતનાં સ્મશાનો લાંબી લાઇન
સુરતના ઉમરા સ્મશાનઘાટનો એક વિડિયો સામે આવ્યો છે જેમાં, ગુરુવારે સાંજ સુધી 25 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બીજી બાજુ અમદાવાદમાં અંતિમ સંસ્કાર માટે 3-4 કલાકની રાહ જોવી પડે છે.
શહેરમાં વીએસ હોસ્પિટલની પાછળ આવેલા સ્મશાનઘાટમાં મૃતદેહોની સંખ્યામાં ફરી એક વાર વધારો થયો છે. અગ્નિસંસ્કાર કરવા માટે એકથી દોઢ કલાકની રાહ જોવી પડે છે.