બનાસકાંઠાની વાવ બેઠક પર વિધાનસભા ચૂંટણી લઈ રસાકસીનો ખેલ શરૂ થયો હતો. જેના પર આજે મતદારોએ પૂર્ણ વિરામ લગાવ્યો છે. તમામ ઉમેદવારોનું ભવિષ્ય હવે EVM મશીનમાં સીલ થઈ ચૂક્યું છે. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાની વાવ બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. અંદાજે 70 ટકા કરતા વધુ મતદાન નોંધાયું હોવાની જાણકારી મળી રહી છે. પેટાચૂંટણીમાં મતદારોએ ભારે ઉત્સાહ દાખવ્યો છે.
આપને જણાવી દઈએ કે વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ જીતનો દાવો કર્યો છે. સાથે જ અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પણ જીતનો દાવો કર્યો છે. વાવ બેઠક પર કુલ 10 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને હવે 23 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે અને વાવમાં કોણ બાજી મારશે તે ખબર પડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાભરમાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સતત મતદાન માટે મતદારો પહોંચી રહ્યા હતા. કૂલ 321 પોલિંગ સ્ટેશન પર મતદાન યોજવામાં આવ્યું હતું. બપોરના સમયે મહિલા મતદારોનું પ્રમાણ વધારે જોવા મળ્યું અને અલગ અલગ મુદ્દાઓને લક્ષમાં રાખી મતદારોએ મતદાન કર્યું છે. આપને જણાવી દઈએ કે વાવ બેઠકના ધારસભ્ય ગેની બેન ઠાકોર લોકસભાની ચૂંટણી પર વિજય પ્રાપ્ત કર્યો હવોથી, વાવની બેઠક ખાલી પડી હતી. જેના પર આજે પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું.