રાજકોટ – ગઈ કાલે અવસાન પામેલા ગુજરાતના પૂર્વ સાંસદ અને મંત્રી વિઠ્ઠલભાઇ રાદડિયાના આજે એમના વતન જામકંડોરણામાં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. એમના પુત્ર અને ગુજરાતના અન્ન તથા નાગરિક પુરવઠા, ગ્રાહકોની બાબત ખાતાના પ્રધાન જયેશ રાદડિયાએ પિતાના પાર્થિવદેહને મુખાગ્નિ આપ્યો હતો. એ પહેલાં વિઠ્ઠલભાઈની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સૌરાષ્ટ્રભરમાંથી હજારો લોકો સામેલ થયા હતા.
રાદડિયાના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે જામકંડોરણામાં કન્યા છાત્રાલય ખાતે રાખવામાં આવ્યો હતો.
અંતિમદર્શન પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે તેમના જામકંડોરણા ખાતે નિવાસસ્થાને લઇ જવામાં આવ્યો હતો બાદમાં અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિઠ્ઠલ રાદડિયાની અર્થીને એમના પુત્ર અને ગુજરાતના પ્રધાન જયેશ રાદડિયાએ કાંધ આપી હતી.
અંતિમયાત્રા માટે ખાસ શબવાહિનીને ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. જામકંડોરણામાં સ્વયંભૂ બંધ પાળી વેપારીઓ અંતિમયાત્રામાં જોડાયા હતા. અંતિમયાત્રા નીકળતા જ વિઠ્ઠલભાઇના પત્ની ચેતનાબેને હૈયાફાટ રૂદન કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.
અંતિમયાત્રા નિવાસસ્થાનેથી નીકળતા જ ઘણા લોકો રડતા જોવા મળ્યા હતા. શણગારેલી શબવાહિનીમાં આગળ વિઠ્ઠલભાઇનો સાફાવાળો ફોટો રાખવામાં આવ્યો છે. અંતિમયાત્રામાં ‘જય જવાન જય કિસાન’, ‘વિઠ્ઠલભાઇ અમર રહો’ના નારા લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. ખેડૂતોમાં પણ ગમગીની જોવા મળી રહી છે.
ખેડૂતોના ‘મસીહા’, સૌરાષ્ટ્રના ‘છોટે સરદાર’ના અંતિમદર્શન માટે લાગી લાંબી લાઇનો
સૌરાષ્ટ્રના ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડિયાનું લાંબી બિમારી બાદ અવસાન થતા જામકંડોરણા, જેતપુર, વિરપુર સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કટ યાર્ડ રહ્યા બંધ હતા. આજે બપોરે 1 વાગ્યે તેમના નિવાસસ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી.
સૌરાષ્ટ્રના કદાવર અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડિયાએ 29મી જુલાઇને સોમવારના રોજ લાંબી બિમારી બાદ અંતિમ શ્ર્વાસ લેતા સૌરાષ્ટ્રભરના ખેડૂતોની આંખો ભીની થઇ ગઇ હતી. આજે સવારે 7 વાગ્યાથી એમના નશ્ર્વરદેહને દર્શન માટે જામકંડોરણાની કન્યા શાળામાં રાખવામાં આવ્યો છે. પોતાના નેતાના દર્શન કરવા માટે ઠેર-ઠેરથી લોકો આવી રહયા છે. દર્શન માટે લાંબી લાઇનો લાગી છે. લોકોની સાથે રાજકીય અને સામાજીક આગેવાનો પણ વિઠ્ઠલભાઇના દર્શન માટે આવી રહયા છે. અત્યાસુધીમાં ધોરાજીના ધારાસભ્ય લલીત વસોયા, ટંકારાના ધારાસભ્ય લલીત કગથરા, મંત્રી કુંવરજીબાઇ બાવળીયા, ભાજપ જીલ્લા અગ્રણી ડી.કે.સખીય, ગોંવિદભાઇ રાણપરિયા અને સાંસદ રમેશભાઇ ધડુક સહિતના આગેવાનો એ કર્યા વિઠ્ઠલભાઇના અંતિમ દર્શન.
બપોરે એક વાગ્યે મુખ્યમંત્રી સહિતના મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્યો વિઠ્ઠલભાઇ રાદડિયાની સ્મશાનયાત્રામાં જોડાઇને શ્રદ્ધાજલી આપી હતી. આ ઉપરાંત ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિઠ્ઠલભાઇના અવસાન અંગે દુઃખ વ્યકત કર્યું હતું અને ટ્વિટ દ્વારા એમણે લખ્યું હતું કે ગુજરાતે એક સક્ષમ ખેડૂત નેતા ગુમાવ્યા છે. સહકાર, કેળવણી અને રાજકીય શ્રેત્રમાં પ્રદાન બદલ હંમેશા યાદ રહેશે. આમ વિઠ્ઠલભાઇ રાદડિયાના અવસાન અંગે રાજકીય લોકોએ દુઃખ વ્યકત કર્યું હતું.
વિઠ્ઠલભાઇ રાદડિયાના અવસાનને પગલે એમના વતન જામકંડોરણામાં દુઃખની લાગણી ફરી વળી હતી. આખું ગામ શોકમગ્ન થઈ બંધ રહ્યું હતું. સાથે-સાથે જેતપુર, ધોરાજી અને વિરપુરમાં પણ વિઠ્ઠલભાઇને શ્રધ્ધાંજલી અર્પવા માટે બંધ પાળવામાં આવ્યું હતું. આ ઉપરાંત સહકારી આગેવાનને શ્રધ્ધાંજલી અર્ફવા માટે રાજકોટ અને ગોંડલ સહિતના માર્કેટ યાર્ડ પણ આજે બંધ રહ્યા છે.
વિઠ્ઠલ રાદડિયાની રાજકીય સફર
તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ (1987)વર્ષ 1990માં પહેલી વખત બન્યા હતા.
ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય (1990થી 2009)
ખાણ ખનિજ અને સહકાર ખાતાના મંત્રી (1996થી 1998)
સિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી(1997થી 1998)
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ (2000થી 2003)
રાજકોટ ડ્રિસ્ટ્રીક્ટ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન(1995થી સતત અત્યાર સુધી)
ઇફકો, ન્યુદિલ્હી ડિરેક્ટર (2004થી અત્યાર સુધી)
વર્ષ 2009માં 15મી લોકસભામાં બન્યા હતા સાંસદ,સંસદસભ્ય પોરબંદર વિસ્તાર (2013થી 2019 સુધી)
સમાજ સેવા અને અલગ સૌરાષ્ટ્રના સ્વપ્નદ્રષ્ટા
વિઠ્ઠલભાઇએ બીએ સુધીનો અભ્યાસ કર્યો હતો. ખેતી અને સમાજ સેવા જીવનના પાયામાં રહ્યા હતા. સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ભવન નાથદ્વારા, દ્વારકા, હરિદ્વાર, મથુરા, દિલ્હી સહિતના શહેરોમાં અલગ અલગ હોદ્દાઓ ધરાવી સમાજ સેવા આપી હતી. જામકંડોરણામાં 45 વિઘામાં ગૌશાળા પર બનાવી હતી. આ સિવાય જે તે સમયે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય માટે મોટુ સ્વપ્ન સેવી લડતના મંડાણ કર્યા હતા. સૌરાષ્ટ્રવાસીઓને પડતી તમામ તકલીફોમાં તેઓ હૂંફ આપતા અને તેમની સાથે રહેતા હતા. જરૂર પડે તો કડક સ્વભાવ કરીને પણ ગરીબોનું કામ કરાવતા જેથી તેઓ દબંગ નેતા પણ કહેવાતા હતા.
મોદીની વિચારધારાથી પ્રભાવિત થઇ કોંગ્રેસ છોડી
અનેક વખત પક્ષ પલ્ટો કરનાર વિઠ્ઠલભાઇ રાદડિયા વન મેન આર્મીની ઇમેજ ધરાવતા હતા. કોઇ પણ પક્ષ હોય તેનો દબદબો યથાવત હતો. નરેન્દ્ર મોદીની વિચારધારાથી પ્રભાવિત થઇ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને પુત્ર જયેશ રાદડિયા મંત્રી બન્યા હતા. પત્ની ચેતનાબેન પણ રાજકારણ સાથે જાડાયેલા છે, તે ભૂતકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે.
ચાર પુત્રો, બેના આકસ્મિક મૃત્યુ
વિઠ્ઠલભાઇ હંસરાજભાઇ રાદડિયાની પારિવારિક લાઇફ સંઘર્ષભરી રહી હતી. ચાર પુત્રોમાં બેના યુવાન વયે આકસ્મિક મૃત્યુ થયા હતા. ચાર પુત્રોમાં વૈભવ, કલ્પેશ, જયેશ અને લલિતનો સમાવેશ થાય છે. જયેશ રાદડિયા હાલ સરકારમાં કેબિનેટ મંત્રી છે ત્યારે લલિત સામાજીક કાર્યકર અને બિઝનેસમેન છે. જ્યારે વૈભવ અને કલ્પેશનું આકસ્મિક મૃત્યું થયુ હતું. પત્ની ચેતનાબેન હાલ સામાજીક કાર્યકર છે. એમણે એક કામ એવું કર્યું હતું કે સૌ કોઇએ એના વખાણ કર્યા હતા. એમણે કલ્પેશની પત્નીને દિકરીની જેમ પરણાવી કલ્પેશના ભાગનો હિસ્સો કરિયાવરમાં આપી સમાજમાં એક દાખલો બેસાડયો હતો.
બેંકથી ખેડૂતોને થયા મદદગાર
રાજકોટ ડિસ્ટ્રીક કો. ઓપરેટીવ બેંકના ચેરમેનની યશસ્વી કામગીરી કરી હતી. એમણે બેંકની પ્રગતીમાં સીંહફાળો આપ્યો હતો. એ હંમેશા કહેતા હતે કે ખેડૂતોનો પૈસો બિલકુલ ખોટો હોતો નથી. એને જોઇએ એટલું ધીરાણ આપો. બેંકમાં વિઠ્ઠલભાઇ રાદડિયાએ પરણ થી લઇને મરણ સુધીની લોન આપવાનો સીલસીલો ચાલુ કર્યો હતો. એ હંમેશા ખેડૂતના પ્રશ્ર્નોને લઇને લડયા છે અને ગમે એ સરકાર હોય પાક વિમા માટે બથ ભીડી છે.
સતત ચર્ચા અને વિવાદોમાં રહ્યા
હાર્દિક પટેલે સરકાર સામે અનામત આંદોલનના મંડાણ કર્યા ત્યારે હાર્દિકને મનાવવા તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિઠ્ઠલભાઇને સંકટ મોચન તરીકે મધ્યસ્થીમાં ઉતાર્યા હતા. તેમજ જેલમાં મળવા પણ ગયા હતા. હાર્દિક પટેલ અને વિઠ્ઠલભાઇ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ થઇ હતી જેને લઇ વિવાદ થયો હતો. જો કે પછી સમાધાન થઇ ગયું હતું. કોંગ્રેસમાં હતા ત્યારે 2014માં કરજણના ટોલનાકા પર રાઇફલ કાઢી ધમાલ કરી હતી. બે વર્ષ પહેલા જામકંડોરણામાં ગૌ શાળાના ડાયરા વખતે વૃદ્ધને લાતો મારતો વીડિયો વાયરલ થતા વિવાદોમાં સપડાયા હતા. લોકોના હક્ક માટે ગમે તેની સાથે બાથ ભીડતા આ પટેલ નેતા સૌથી વધુ પોલીસ ચોપડે ચડ્યાની પણ ચર્ચા છે.
કેન્સર જેવા રોગને આપી માત આપી હતી
વિઠ્ઠલભાઇને કેન્સર જેવો જટિલ રોગ લાગતા બે વર્ષ પહેલા અમેરિકા ટ્રીટમેન્ટ કરાવી હતી ત્યાં ઓપરેશન કરાવ્યું હતું અને કેન્સર જેવા રોગને માત આપી હતી. ત્યારબાદ ઘરે પરત આવી જતા તેઓની તબીયત ફરી લથડી હતી અને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં લાંબા સમય સુધી સારવાર ચાલી હતી. બાદમાં અમદાવાદ અને ગાંધીનગરમાં જ પોતાના પુત્રોના ઘરે આરામ કરી જીવન વ્યતીત કરી રહ્યા હતા.
(અહેવાલ અને તસવીરોઃ જીતેન્દ્ર રાદડિયા – રાજકોટ)