વાઇબ્રન્ટ ગુજરાતઃ CMને હસ્તે વેબસાઇટ એપ, બ્રોશર લોન્ચ

ગાંધીનગર: આવતા વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. જેના ભાગરૂપે અત્યારથી જ તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. જાન્યુઆરી-2024માં 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. જોકે આ વખતે સૌપ્રથમ વાર વાઇબ્રન્ટ ગુજરાત માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. વાઇબ્રન્ટ સમિટના વેબસાઇટ અને બ્રોસર પણ લોન્ચ કરવામાં આવ્યાં છે. 10મી વાઈબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ 10થી 12 જાન્યુઆરીએ યોજાશે. 

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન દ્વારા ઉદઘાટન કરવામાં આવેલા વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક શિખર સંમેલન જ્ઞાન વહેંચવાનો અને વ્યૂહાત્મક ભાગીદારી કરવા માટેનું સૌથી પ્રતિષ્ઠિત મંચ રૂપે ઊભરી આવ્યું છે.

મુખ્ય પ્રધાન દ્વારા લોન્ચ કરવામાં આવેલી વેબસાઇટ ને મોબાઇલ એપને વન સ્ટોપ સોલ્યુશન્સ બનાવવા માટે યુઝર્સને માટે સરળ બનાવવામાં આવી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના વરિષ્ઠ મંત્રીઓ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આ વેબસાઇટ અને મોબાઇલ એપનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ સમિટ દરમ્યાન થયેલા કાર્યક્રમમાં મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે VG-2024 વેબસાઇટ રાજ્ય સરકારની નીતિઓ, વિવિધ માપદંડોમાં રાજ્યના પ્રદર્શન પર ડેટા અને સંભવિત મૂડીરોકાણો અને પ્રોજેક્ટોની યાદીનું એક વ્યાપક સંકલન હશે. જે ઓનલાઇન રજિસ્ટ્રેશનની સાથે-સાથે ભાગ લેનારા અને રસ ધરાવનાર વ્યક્તિઓ, પ્રતિનિધિમંડળો અને રોકાણકારોની સુવિધા પ્રદાન કરશે.