અમદાવાદ- ગુજરાતના સક્રિય રાજકારણમાં થોડા સમયથી અળગા રહેલાં વરિષ્ઠ રાજકારણી, પૂર્વ ભાજપી, પૂર્વ કોંગ્રેસી એવા શંકરસિંહ વાઘેલા આજે વિધિવત એનસીપીમાં જોડાઈ ગયાં છે. શંકરસિંહને એનસીપી સુપ્રીમો શરદ પવારે પક્ષનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો.હાલમાં દેશમાં જે રીતની રાજનીતિ જોવા મળી રહી છે તેવામાં નિષ્ક્રિય રહેવું ઉચિત નથી તેમ જણાવતાં વાઘેલાએ કેન્દ્રની ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે જૂઠાણાં ફેલાવ્યાં છે.આજે દેશમાં ભયનું વાતાવરણ છે.. અમે જોઇ રહ્યાં છીએ કે યુપીએ-3 જેવી ભાજપ વિરોધી સરકાર કેન્દ્રમાં રચાશે. અમને જનતાએ ઘણો પ્રેમ આપ્યો છે. ત્યારે ભાજપના શાસનથી લોકોને મુક્ત કરવા દિલ્હી અને ગુજરાતમાં કામ કરવાનું નક્કી કરી સક્રિય ભાગ ભજવીશું.વાઘેલાના NCP પ્રવેશ સમયે સુપ્રીમો શરદ પવાર ઉપરાંત પ્રફુલ પટેલ, જયંત પટેલ અને કાંધલ જાડેજા હાજર રહ્યાં હતાં. હોટલ ઉમેદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ બાદ સાંજે સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારકના ઓડિટોરિયમ હોલ ખાતે એનસીપી સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.બાપુએ આપી દીધો હતો સંકેત…
4 દિવસ પહેલાં વાપીની મુલાકાત સમયે શંકરસિંહ વાઘેલાએ એનસીપી(નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) તરફથી 27મી જાન્યુઆરીને મોટા સમાચાર આવશે એવું કહીને શંકરસિંહે સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો તેઓ એનસીપી સાથે જોડાઈ રહ્યા છે. તેમણે મીડિયા સાથે વાતચીતમાં આ નિવેદન કર્યું હતું. જોકે, બાપુએ નિવેદનમાં 27 તારીખ કહી હતી તેના બે દિવસ બાદ તેઓ વિધિવત રીતે એનસીપીમાં જોડાયાં છે.
આપને યાદ અપાવીએ કે શંકરસિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો.અને જનવિકલ્પ મોરચા નામનો નવો પક્ષ બનાવ્યો હતો અને પોતાના ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રાખ્યાં હતાં. જોકે, ચૂંટણીમાં તેમના ઉમેદવારોએ કંઈ ઉકાળ્યું ન હતું. ત્યાર બાદ શંકરસિંહ કોઈ પક્ષ સાથે જોડાયાં ન હતાં. જોકે છેવટે 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં તેમણે એનસીપીમાં જોડાઈ જવાનો નિર્ણય લીધો છે.