અમદાવાદઃ વિરમગામ તાલુકાના વલાણા ગામની અંદાજે ૧૮૬૩ જેટલી વસતિ છે અને કુલ ઘરોની સંખ્યા ૨૮૬ જેટલી છે. વલાણા ગામમાં પીવાના પાણી માટે બે વર્ષ પહેલા બોર બનાવવામાં આવ્યો હતો, પરંતુ ગામમાં પાણીની પાઇપલાઇનની આંતરિક વ્યવસ્થા ન હોવાને કારણે ગામમાં પાણી વિતરણ કરવામાં આવતું ન હતું અને સમય જતાં બોર બંધ જેવી અવસ્થામાં આવી પડ્યો. તેથી આજ દિન સુધી ગામની બહેનો માથે બેડાં ઉપાડીને ગામથી એક-બે કિલોમીટર દૂર જઈને ખુલ્લા કૂવામાંથી પાણી ખેંચીને ઘર સુધી લાવતા હતા.
ગામનો એકમાત્ર કૂવો ખાનગી માલિકીનો હોવાથી કોઈ વાર માલિક ગામલોકોને આવવાની ના પાડે ત્યારે તો ઘણી વાર પાણી વગર જ ઘરે પરત ફરવું પડતું હતું. તેવા સમયમાં ગામના બસ સ્ટેન્ડ પાસે હાઈ-વે પર ચા બનાવવાનો વ્યવસાય કરતાં ગામનાં જાગ્રત મહિલા વસંતબહેન ભરવાડને ત્યાં એક દિવસ અમદાવાદ જલ ભવનમાં કાર્યરત વાસ્મોના જિલ્લા કો-ઓર્ડિનેટર ભિખાભાઈ રબારી ત્યાં ચા પીવા માટે આવ્યા અને વાત-વાતમાં ગામની સમસ્યા વિશે વસંતબહેને તેમને બધી વાત કરી.
ભિખાભાઈએ વલાણા ગામની પરિસ્થિતિનો સમગ્ર ચિતાર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ, અમદાવાદની કચેરીના કાર્યપાલક ઇજનેર આર. જે. બ્રહ્મભટ્ટના ધ્યાન પર મૂક્યો અને તેમણે જાતે વલાણા ગામમાં જઈને લોકોને સમજાવવાનું બીડું ઝડપ્યું. અમદાવાદના વાસ્મો યુનિટ મેનેજર અને ટીમ અને ગામના સરપંચ દિનેશભાઈ પટેલને સાથે રાખીને દરેકના ઘરે-ઘરે જઈને લોકફાળો કરવા સમજ આપી અને અને ગામના તમામ ઘરોમાં નળ જોડાણો આપી દેવાશે તેની ખાતરી આપી. ત્યાર બાદ વસંતબહેન વાસ્મોના સંપર્કમાં રહ્યા અને ઝડપથી દરેક ઘરે નળ કનેક્શન આવી જાય એ માટે કાર્યરત રહ્યાં. વાસ્મો દ્વારા ગામમાં રહેલો બે વર્ષ જૂનો બોર કાર્યરત કરી દેવામાં આવ્યો.
વલાણા ગામમાં પ્રથમ વાર નળ કનેક્શન નખાયા. માત્ર છ માસના ટૂંકા ગાળામાં ‘’નલ સે જલ’’ યોજના અન્વયે રૂ. ૭.૪૧ લાખને ખર્ચે ગામમાં ૨૮૬ ઘરોમા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી અને ૨૬ મે ૨૦૨૧એ ગામમાં બપોરે બે વાગ્યાથી માંડીને સંધ્યા સમય સુધી પ્રથમ વાર પાણી વિતરણ કરવામાં આવ્યું. આમ સરકારના લોકભાગીદારીવાળા ‘’નલ સે જલ’’ યોજના થકી અનેક ઘરોને પીવાનું શુદ્ધ પાણી મળવા લાગ્યું છે. એમ કહી શકાય કે પાણીથી તરસ્યું વલાણા ગામ આજે પાણીદાર બન્યું છે.