ભરતસિંહ-શંકરસિંહ વચ્ચે મુલાકાતઃ ‘બાપુ’ કોંગ્રેસમાં જોડાશે?  

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આમ આદમી પાર્ટીએ આગામી ચૂંટણીમાં તમામ બેઠકો પર પોતાના ઉમેદવારોને ઊભા રાખવાની જાહેરાત કરી હતી. બીજી બાજુ ભાજપે પણ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે, ત્યારે હવે રાજકારણમાં શંકરસિંહ વાઘેલા ફરી એક વાર કોંગ્રેસમાં જોડાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. ગઈ કાલે શંકરસિંહ વાઘેલા સાથે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીની મુલાકાત પણ થઈ હતી, એમ સૂત્રોએ કહ્યું હતું. જોકે બાપુને પરત લાવવા માટે હાઈ કમાન્ડ અંતિમ નિર્ણય કરશે.

શંકરસિંહને કોંગ્રેસમાં પરત લાવવા માટે ભરત સોલંકી પ્રયાસ કરી રહ્યા છે. આ માટે ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વચ્ચે આ પહેલાં ત્રણ વાર મુલાકાત થઈ ચૂકી છે. બાપુને કોંગ્રેસમાં લાવવા અંગે પ્રદેશ કોંગ્રેસનું એક મોટું જૂથ સક્રિય છે. હાલ પ્રિયંકા ગાંધી દિલ્હીમાં નથી,જેથી તેમના પરત આવ્યા બાદ કોંગ્રેસ હાઈ કમાન્ડ આ મુદ્દે નિર્ણય લેશે.

વળી, શંકરસિંહ ભાજપની સામે પણ ખૂલીને વિરોધ કરી રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના અને અહેમદ પટેલ જેવા દિગ્ગજ નેતાના નિધન બાદ ગુજરાતમાં કોંગ્રેસનું ધોવાણ અટકાવવા માટે શંકરસિંહ મદદરૂપ થઈ શકે તેમ છે.

શંકરસિંહ વાઘેલાએ ફેસબુક પર વિડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે સોનિયા ગાંધી મને વાતચીત કરવા બોલાવશે તો હું દિલ્હી જઈને તેમની સાથે ચર્ચા કરીશ. એ ઉપરાંત કોંગ્રેસ હાઈ કમાન્ડ મને કહેશે તો હું વિનાશરતે અને સંકોચે કોંગ્રેસમાં જઈશ.