વડોદરા: આવતીકાલે 6 એપ્રિલના રોજ રામનવમીના તહેવારની ઉજવણી દેશભરમાં થવાની છે. વિવિધ સ્થળે શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ તહેવારને લઈ ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. તહેવારને લઈ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગુજરાત પોલીસ પણ આગોતરું આયોજન કરી રહ્યું છે. વડોદરા પોલસી પણ રામનવમીની ઉજવણીને લઈ એક્શનમાં આવી ચુકી છે. અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 27 શોભાયાત્રા નીકળશે. અગાઉ શહેરમાં રામનવમીની દિવસે શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બનવા પામી હતી. શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ આ વર્ષે પોલીસે ચુસ્ત બંદોબસ્તની તૈયારી કરી છે. સંવેદનશીલ વિસ્તારો પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની ઉજવણી થાય તેને લઈને 2500 પોલીસ જવાન તૈનાત કરવામાં આવશે.
વડોદરા શહેર પોલીસ આવતીકાલે નીકળનાર શોભાયાત્રાને લઈને સઘન તૈયારી કરી છે. પોલીસ સંવેદનશીલ વિસ્તારો જેવા કે કરીમાંડવીથી લહેરીપુરા, ચાંપાનેર દરવાજા, પાંજરીગર મોહલ્લા વિગેરે વિસ્તારોમાં સુરક્ષા સંબંધીત ચકાસણી હાથ ધરતા વધુ પોલીસ તૈનાત કરશે. શહેર પોલીસ દ્વારા હાલમાં ચાલતાં ચૈત્રી નવરાત્રી તેમજ આગામી રામનવમી વગેરે તહેવારોની ઉજવણીમાં કોઈ ભંગ ના પડે માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં તહેવારની ઉજવણીમાં અડચણ ઉભી કરનારા અસામાજિક તત્વો સામે ડ્રોનથી પોલીસ બાજ નજર રાખશે.
વડોદરા શહેર પોલીસ દ્વારા હાલમાં ચાલતાં ચેત્રનવરાત્રિ તેમજ આગામી રામનવમી વિગેરે તહેવારો ની ઉજવણી સારી સુરક્ષા વ્યવસ્થા મા થયી શકે તે માટે ડ્રોન નો ઉપયોગ કરીમાંડવી થી લહેરીપુરા, ચાંપાનેર દરવાજા, પાંજરીગર મોહલ્લા વિગેરે વિસ્તારો ની સુરક્ષા સંબંધીત ચકાસણી કરવામાં આવેલ છે. @dgpgujarat pic.twitter.com/KlOZTLryMW
— Vadodara City Police (@Vadcitypolice) April 3, 2025
પોલીસ કમિશનરના આદેશ બાદ શહેરમાં અતિ-સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોનથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ધાબા પર પથ્થર કે અન્ય વસ્તુ છે કે નહીં જોવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે અગાઉ વડોદરામાં રામનવમીના દિવસે રામજીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ આવતીકાલે સંવેદનશીલ વિસ્તારમાંથી નીકળનાર બે શોભાયાત્રાને લઈને પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કર્યું છે. આ માટે પોલીસ અધિકારીઓ સહિત 2500 પોલીસ જવાનનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
