વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2025-26નું ડ્રાફ્ટ બજેટ આવતી કાલે રજૂ થશે

વડોદરા: 1લી ફેબ્રુઆરીએ દેશનું કેન્દ્રીય બજેટ રજૂ થશે. તેની સાથે સાથે તમામ મહાનગર પાલિકા અને નગર પાલિકાના ડ્રાફ બજેટ રજૂ થવાના શરૂ થઈ ચૂક્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ આવતી કાલે સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સૂત્રોની જાણકારી પ્રમાણે આ વર્ષનું વડોદરાનું ડ્રાફ્ટ બજેટ 6 હજાર કરોડનું હશે. ગત વર્ષે બજેટ સમગ્ર સભાએ 5558.86 કરોડનું મંજુર કર્યું હતું. ગયા વર્ષે બજેટ પર વિરોધપક્ષે 454 દરખાસ્ત રજૂ કરી હતી. જેમાંથી એક પાછી ખેંચી લીધી હતી. 453 દરખાસ્ત મતદાન કરીને બહુમતીના જોરે ફગાવી દીધી હતી.

વડોદરા શહેરમાં ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ પાણી, ડ્રેનેજ, બ્રિજ, રોડ, વરસાદી પાણીનો નિકાલ, ઇ-બસ, ઇ-ચાર્જિંગ સ્ટેશનો, રિંગરોડ સહિતના કામો મૂકવામાં આવશે. નોંધનિય બાબત એ છે ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટમાં વેરાને લઈ કોઈ મોટા ફેરફર જોવા મળવાની શક્યતા નથી અને આ વર્ષે બજેટને ચૂંટણી લક્ષી બનાવી દેશે. આ વખતે પ્રથમ વખત બજેટ પૂર્વે લોકોના સૂચનો મગાવવામાં આવ્યા છે. ગઈકાલ સુધીમાં આશરે 600 લોકોએ 1,600 જેટલા સૂચનો કોર્પોરેશનને આપ્યા છે. જેમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, વિશ્વામિત્રી, રોડની પહોળાઈ, દબાણ, સફાઈ, આકારણી, મકાન, આરોગ્ય સુવિધા વગેરેને લગતા સૂચનો કર્યા છે. સૂચનોનો આંકડો હજી વધે તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ બજેટમાં તમામ વર્ગને આવરી લે તે મુજબ બજેટ રજૂ કરવામાં આવશે. બજેટમાં ટૂંકા અને લાંબાગાળાના આયોજન રજૂ કરવામાં આવશે. શહેરમાં પાણી અને ડ્રેનેજનું નેટવર્ક વધુ મજબૂત બનાવવામાં આવશે. સ્વચ્છતા અને સફાઈ પર વધુ ભાર મૂકવામાં આવશે. ડ્રાફ્ટ બજેટ સાથે વર્ષ 2024-25 નું રિવાઇઝડ બજેટ પણ રજૂ થશે.