વડોદરા: કોરોના સંક્રમણને અટકાવવા લોકડાઉનના ચુસ્ત અમલ સાથે સાવલી તાલુકાના મંજુસર ગામે કોરોના સામે યુદ્ધે ચડી રાજ્યના અન્ય ગામોને નવી રાહ ચીંધી છે. ગામના મહિલા સરપંચ ગીતાબેન વાઘેલા જણાવે છે કે કોરોના કહેર વચ્ચે ગામની આજુબાજુના 750 જેટલા શ્રમજીવીઓને દરરોજ બે ટકનું ભોજન ગ્રામપંચાયત તેમજ સેવાભાવી સંસ્થાઓના સહયોગથી પૂરી પાડવામાં આવી રહ્યું છે.
મંજુસર ગામના દિવ્યાંગ અસહાય તેમજ વયોવૃદ્ધ નાગરિકોને દૂધ,શાકભાજી તેમજ આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો ઘરે બેઠા પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામમાં ગંદકી ફેલાવનારને દંડ કરવામાં આવે છે. આવી બે વ્યક્તિ પાસેથી પંચાયત દ્વારા રૂપિયા બે હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. લોકડાઉનના ચુસ્ત અમલ સાથે જાણે આખું ગામ કોરોના સામે જંગે ચડ્યું છે.
સરપંચ ગીતાબેન ઉમેર્યું કે,કોરોના સંક્રમણને અટકાવવા આખા ગામને સેનેટાઇઝ કરવા સાથે ગામમાં રોજ જાહેર રસ્તા તેમજ ગલીઓની સફાઈ કરવામાં આવે છે.
ડેરીમાં દૂધ ભરવા આવતા સભાસદો સામાજિક અંતર જાળવી દૂધ ભરે છે. એટલું જ નહિ શાકભાજી,અનાજ કરિયાણું વેચતા દુકાનદારો ફરજિયાત માસ્ક અને હેન્ડ ગ્લોજ પહેરે છે. ગામમાં જાહેર સ્થળોએ લોકોને હાથ ધોવાની વ્યવસ્થા કરવામાં આવી છે.