વડોદરા: વડોદરા શહેરના વહીવટ અને મુખ્ય મથકના ડીસીપી આઈપીએસ અધિકારી સરોજ કુમારી કોરોના સંકટ કાળમાં ઘરની સાથે સાથે શહેરના માતા તરીકેની ભૂમિકા પણ નિભાવી રહ્યા છે. સરોજ કુમારી તેમના માતા પિતા અને ભત્રીજા, ભત્રીજી સાથે રહે છે. સરોજ કુમારી કહે છે કે, ‘વરિષ્ઠ નિર્ભયમ (સિનિયર સિટીઝન સેલ), પોલીસ રસોડું, સમજ સ્પર્શની (જાતીય ગુનાઓથી બાળકોની સુરક્ષા માટેનું અભિયાન) માટે પોલીસ ફરજ નિભાવું છું. જે પોલીસ ઓન-ફિલ્ડ હોય તેમના માટે તમામ સહાયક વસ્તુઓ પ્રદાન કરવાની સાથે મારા પરિવારના દસ વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને વૃદ્ધ માતા-પિતાની પુત્રી તરીકેની જવાબદારી પણ નિભાવું છું.’ તેઓ કહે છે કે તેમના પરિવાર માટેની તેમની ચિંતા ગૌણ છે અને તેમની દેશ સેવા જ તેમના માટે પહેલી પ્રાથમિકતા.
તેઓ ઘરમાં બાળકોને સમય આપવા વિશે કહે છે કે, અત્યારે બાળકોની સ્કૂલ બંધ છે તેથી તેઓ સંપૂર્ણ ફ્રી છે. બાળકો ઘરે જ સમય વિતાવે છે અને મારા કામને સમજે છે જેથી મને ટેકો રહે છે. દરરોજ રાત્રે 10 વાગ્યા પહેલા ઘરે પહોંચી શકાતું નથી.
સરોજ કુમારી આગળ કહે છે કે તેઓ ઘરમાં મહિલા તરીકેની ભૂમિકા નિભાવે છે અને સાથે સાથે જ પોલીસ વહીવટીતંત્ર અને મુખ્ય મથકે નાયબ કમિશનર તરીકેની ભૂમિકા પણ નિભાવે છે. તેઓ તેમના સ્ટાફની વ્યક્તિગત કાળજી પણ લે છે. સરોજ કુમારી કહે છે કે તેઓ આજકલ તેમના સ્વાસ્થ્યને સારું રાખવા માટે સતત સંશોધન કરે છે. તે દરેક સ્ટાફ મેમ્બરને સરગવાની શીંગના પાવડરનું પણ વિતરણ કરે છે જે સ્વાસ્થ્ય સારું રાખવા માટે મદદરૂપ થાય છે.
આ લોકડાઉન દરમિયાન વડોદરા શહેરમાં રહેતા ઘરવિહોણા બાળકોની પણ સંભાળ લે છે અને તેમને ખાદ્ય સામગ્રી પણ પૂરી પાડે છે. આ ઉપરાંત લોકડાઉન શરું થયું તે દિવસથી તેમણે પોલીસ કિચન પણ શરૂ કર્યું છે જેમાં તેઓ દરરોજ ૫૦૦ થી વધુ લોકો માટે ભોજન બનાવે છે. અંતે સરોજ કુમારી કહે છે કે, પરિવાર અને સમાજ સેવા બંને વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ છે પણ અશક્ય નથી.