વડોદરા: વડોદરાથી સાવ અર્ધા કલાકના અંતરે ભિલાપુર પાસે નાનકડું વાયદપુરા ગામ આવેલું છે. એની પ્રાથમિક શાળાના આચાર્ય, શાળાના લગભગ એક વિઘાના ખેતર જેટલી જમીનમાં છેલ્લા ૧૭ વર્ષથી શાકભાજી ઉછેરે છે. એમાં શાળાના અન્ય શિક્ષકો, ગામના ખેડૂતો અને શાળાના બાળકો મદદરૂપ બને છે. આ સંનિષ્ઠ શિક્ષકે અત્યાર સુધી શાળાના આંગણામાં ઉછેરેલી શાકવાડીમાંથી મળેલા ઉત્પાદનનો રેકોર્ડ રાખ્યો છે. તે પ્રમાણે છેલ્લા લગભગ ૧૭ વર્ષમાં એમણે ૮૦૦૦ કિલોગ્રામ એટલે કે ૮૦ ક્વિન્ટલથી વધુ શાકભાજીનું ઉત્પાદન, છોકરાઓને ભણાવતા ભણાવતા મેળવ્યું છે અને છોકરાઓને તમામ પ્રકારના શાકભાજી ઓળખતા અને હોંશે હોંશે ખાતા કરી દીધા છે.
એમની શાળા શાકવાડીમાં છોકરા ધરાઈને ખાય તો પણ વધે એટલું શાક થાય છે. એટલે વધારાનું શાક તેઓ ગામની આંગણવાડીને આપે છે એટલે ભૂલકાઓને પણ પૂરક પોષણનો લાભ મળે છે.
ગામ લોકોને શાળાઓ સાથે લાગણીના સંબંધથી જોડવા માટે રાજ્ય સરકારની તિથિ ભોજન યોજના હેઠળ દર વર્ષે શાળામાં દાતાઓની મદદથી સરેરાશ ૫૦ જેટલાં તિથિ ભોજન યોજે છે. પરિણામે, ગામ લોકો શાળામાં બાળકો સાથે જન્મ દિવસ, લગ્ન તિથિ, સ્વજનોની પુણ્ય તિથિ ઉજવતાં થયાં છે અને બાળકોને વારે તહેવારે મિજબાની માણવા મળે છે.
પ્રધાનમંત્રીએ સહી પોષણ, દેશ રોશનનું સૂત્ર આપ્યું છે. જેને અનુસરીને ગુજરાત સરકારે ગતિશીલ સૂપોષણ અભિયાન આખા રાજયમાં શરૂ કર્યુ છે ત્યારે આ શિક્ષક નરેન્દ્રભાઈનો આ પ્રયોગ એક નવી દિશા દર્શાવે છે. નરેન્દ્રભાઇ એ પોતાની સ્વયમ્ પહેલથી આ પ્રયોગ શરૂ કર્યો હતો જે બાળકોના, શાળામાંથી અપાતા બપોરના ભોજન તો વધુ સૂપોષક બનાવે છે. તેની સાથે આ પ્રયોગથી વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના શાકભાજીના છોડ, વેલાંને ઓળખતા થયા છે અને એમને પર્યાવરણનું વાસ્તવિક શિક્ષણ મળ્યું છે. બાકી હાલ એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે, ખેડૂતોના સંતાનો હવે શહેરવાસી બની ગયાં હોવાથી ફળ, ફૂલ અને શાકભાજીની ઓળખ વિસરાઈ રહી છે.
આકરા ઉનાળાના અણસાર વર્તાઈ રહ્યા છે. તો પણ, હાલની ઘડીએ નરેન્દ્રભાઈની પ્રાથમિક શાળા ખેતરના ખોળે રમતી હોય એવું રળિયામણું દૃશ્ય જોવા મળે છે. અત્યારે તેમની શાળાનું આંગણ રીંગણ, ટામેટા, દૂધી, ગલકા, ફ્લાવર, કોબીજ, ગાજર, મૂળા, બીટ, ધાણા, મરચાં, પાલક, મેથી અને સુવા જેવા ૧૪ પ્રકારના શાકભાજીના વાવેતરથી લીલુંછમ છે. શાકભાજીની આટલી વિવિધતા તો શાકવાળાની દુકાનમાં પણ જોવા મળતી નથી.
શાળાના આંગણમાં શાકભાજીના ઉછેર અને મધ્યાહન ભોજનમાં પીરસાતી વાનગીઓમાં એના સમાવેશથી એક અણધાર્યો ફાયદો થયો છે એવી લાગણી વ્યક્ત કરતાં શિક્ષિકા સુષ્માબહેન ચૌહાણે જણાવ્યું કે, વાલી મિટીંગમાં વાલીઓની હંમેશા ફરિયાદ રહેતી કે બહેન, છોકરાં શાકભાજીને અડતાં જ નથી શું કરીએ? આજે એ જ બાળકો રસપૂર્વક શાકભાજી ખાતાં થઈ ગયાનો વાલીઓ આનંદ વ્યક્ત કરે છે.
એમના સાથી શિક્ષિકા ઇલાબહેન જાદવ કહે છે કે, કિચન ગાર્ડન અને ઔષધ બાગના ઉછેરને લીધે વનસ્પતિઓને વિદ્યાર્થીઓ ઓળખતા થયા છે, એમાંથી કેવી-કેવી વાનગીઓ બનાવી શકાય એ જાણે છે અને વનસ્પતિની ઉપયોગિતા જાણે છે. આમ, આ પ્રયોગથી વિદ્યાર્થીઓને નક્કર પ્રકૃતિ શિક્ષણ મળ્યું છે.
ઇકો કલબની પ્રવૃત્તિના ભાગરૂપે શાળાના આંગણમાં અને વાડની ગરજ સારતી પ્રાંગણ દીવાલને અડીને ઔષધીય બાગ ઉછેર્યો છે જેમાં લીમડો, મીઠો લીમડો, કુંવાર પાઠું, પાન ફૂટી, આમળા, લીંબુ, સેવન, કદમ, ફુદીનો, અજમો, નીલગીરી, જામફળ, જાસૂદ, સિંદુરી અને બદામના ઔષધીય અને વિવિધ રીતે ઉપયોગી વૃક્ષો લહેરાઈ રહ્યા છે.
હું અહી મુકાયો ત્યારે શાળાનું જૂનું, નળિયા વાળું મકાન અને આસપાસ વિશાળ ખુલ્લી જગ્યા હતી એ યાદોંને વાગોળતા નરેન્દ્રભાઇ એ જણાવ્યું કે, એ જમીન પુષ્કળ ઝાડી ઝાંખરા ઉગતા અને બાળકોને સાપ જેવા સરીસૃપોનો ભય રહેતો. વાયદપુરા ખેતીવાડી વાળું ગામ છે. ઉત્સાહી ગ્રામજનોનો સહયોગ મળ્યો. જમીન સમતળ કરી અને શાકવાડી ઉછેરવાનું શરૂ કર્યુ. આજે પણ ગામલોકો ચોમાસાની શરૂઆતમાં પોતાના ટ્રેકટરથી ખેડ કરી આપે છે. બિયારણ પણ આપે અને કેટલુંક બિયારણ હું સ્વખર્ચે લાવું, ઇકો કલબના ભંડોળમાંથી ખરીદું અને એ રીતે મારો પ્રયોગ આગળ વધે છે.
હાલમાં જ એક દાતા નવીનભાઈની મદદથી શાળાનો બોર પુનર્જીવિત કર્યો છે એટલે હવે ઉનાળામાં પણ શાકભાજી ઉછેરી શકાશે. બાળકોને શાકભાજી સીધેસીધા ખાવા પસંદ નથી આવતા.એટલે તેઓ દૂધીને છીણીને ખીચડીમાં નાંખવી, દૂધીના મૂઠિયાં, ઢેબરાં બનાવવા, ઉંધીયું બનાવવું, ગામની ડેરીમાંથી દૂધ મેળવી દૂધી કે ગાજરનો હલવો બનાવવો, પાલકના પાન મોટા થવા દઈ પાલકના પાત્રા બનાવવા જેવા અવનવા વાનગી પ્રયોગો કરે છે જેનાથી બાળકોમાં શાકભાજી ખાવાની અભિરુચિ કેળવાઈ છે. છાણીયું ખાતર વાપરે છે એટલે બાળકોને સાત્વિક શાકભાજી ખાવા મળે છે. વાનગીઓમાં શાકભાજીના ઉપયોગના પ્રયોગો કરતાં તેઓ જાતે સારા રસોયા બની ગયા છે અને પાલક પનીર જેવી ખાસ વાનગીઓ જાતે જ રાંધે છે. શિક્ષણની પૂરતી કાળજી લઈ સાથી શિક્ષકોની મદદ અને ગ્રામવાસી ખેડૂતોના સહયોગથી તેઓ આ પ્રવૃત્તિ, આત્મ આનંદ માટે સ્વૈચ્છિક રીતે કરે છે અને જાણ્યે અજાણ્યે રાજય સરકારના પોષણ અભિયાનને વેગ આપી રહ્યા છે.
એમની શાળામાં મોટાભાગના બાળકો એસ.સી.અને એસ.ટી.સમુદાયના, એકદમ ગરીબ, ખેત મજૂર કે અન્ય પ્રકારની મજૂરી કરનારા પરિવારોના છે. આ પરિવારોના વંચિત બાળકો વિવિધ પ્રકારની શાકભાજી આ વાડીને લીધે ખાઈ શકે છે એનો એમને આનંદ છે.
કદાચ એમની કામગીરીની પૂરતી નોંધ લેવાઈ નથી એટલે એમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો નથી. જો કે આ શાળામાં ભણી ને હવે પોતાના જીવનમાં સ્થિર થયેલા પૂર્વ વિદ્યાર્થીઓ શાળામાં આવે ત્યારે કહે છે કે સાહેબ,તમે ખવડાવ્યા એ શાકભાજી અને વાનગીઓ આજે પણ યાદ આવે છે અને ત્યારે એમને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળી ગયાનો આનંદ થાય છે.