વડોદરા: હિન્દી ફિલ્મનું એક ખૂબ લોકપ્રિય ગીત છે… સાથી હાથ બઢાના…એક અકેલા થક જાયેગા.. મિલકર બોઝ ઉઠાના…કોરોના સંકટના મુશ્કેલ સમયમાં ગામના ગરીબ પરિવારોની પાલક તરીકેની જવાબદારી સ્વીકારી લઈ વડોદરા તાલુકાના અનગઢ ગામના ગામલોકોએ આ સુંદર ગીતના વિચારને સાર્થક કર્યો છે. કોરોના કહેરના કારણે દેશવ્યાપી લોકડાઉનની પરિસ્થિતિમાં રોજનું કમાઇને પેટીયું રળતા શ્રમજીવીઓ જરૂરીયાતમંદો મુશ્કેલીમાં મૂકાયા છે.
આવા સમયે વડોદરા નજીકના ૧૮૦૦૦ ની વસ્તી ધરાવતા અનગઢ ગામે એક નવો પથ કંડારી સમગ્ર રાજ્યના અન્ય ગામડાઓ માટે નવીન રાહ ચીંધ્યો છે.
કોરોનાની પરિસ્થિતિમાં લોકડાઉનના પગલે અનગઢ ગામના સરપંચ રાજુભાઇ ગોહિલને વિચાર આવ્યો કે સમૃધ્ધ લોકોને લોકડાઉનની સ્થિતિમાં આવશ્યક ચીજવસ્તુઓ મેળવવાની કોઇ તકલીફ નહીં પડે, પરંતુ ગામમાં રોજનું રળીને રોટલો ખાતા ગરીબ અને શ્રમજીવી પરિવારો તથા ગંગાસ્વરૂપા માતાઓ કેવી રીતે પોતાના પેટનો ખાડો પૂરશે?
સરપંચ રાજુભાઇ ગોહિલે પોતાની આ સંવેદના ગ્રામ પંચાયતના સભ્યો સમક્ષ રજૂ કરી આવા લોકોને મદદરૂપ થવા એક અભિનવ પ્રયોગ કરી સરપંચ સહિત ગ્રામ પંચાયતના તમામ ૧૭ સભ્યોએ ગામની એકપણ વ્યકિત ભૂખે ન રહે અને તેમને કોઇની સામે મદદનો હાથ ન ફેલાવો પડે તે માટે આવા કુટુંબોને દત્તક લઇ એક પરિવારને ૧૫ થી ૨૦ દિવસ ચાલે તેટલું રાશન પૂરું પાડવા માટેની દત્તક પરિવાર યોજના અમલમાં મૂકી.
સરપંચએ ગામના આર્થિક રીતે સમૃધ્ધ અને આગેવાન લોકોને આવા પરિવારોને દત્તક લેવા અપીલ કરી. સરપંચની આ અપીલને વ્યાપક આવકાર મળ્યો અને ગ્રામ પંચાયતની આ પહેલને સૌએ વધાવી લઇ સમૃધ્ધ લોકો અને દાતાઓએ આવા કુટુંબ પરિવારને મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી દાતાઓ , સરપંચ અને ગ્રામ પંચાયતના સહયોગથી આવા ૧૧૨ જેટલા ગરીબ પરિવારોને ૧૫ થી ૨૦ દિવસ ચાલે તેટલા રાશનની કીટ તૈયાર કરી પહોંચાડવામાં આવી છે.ગામમાં હજુ આવા ગરીબ પરિવારોને શોધવાની કામગીરી ચાલી રહી છે.
સરપંચ રાજુભાઇ કહે છે કે, લોક ડાઉન લંબાશે તો આવા ગરીબ પરિવારોને વધુ પંદરથી વીસ દિવસ ચાલે તેટલું રેશન પૂરું પાડવામાં આવશે.
અનગઢ ગામના રાજુભાઇ ઠકકરે ૧૦ ગરીબ પરિવારો, ફતેસિંહ ગોહિલે ૨૩ ગરીબ પરિવારો, ગામમાં દવાખાનું ચલાવતા ર્ડા. અરૂણ પટેલે ૧૦ પરિવારો તો ખાનગી કંપનીમાં ફરજ બજાવતા રયજીભાઇ ગોહિલે પોતાનો એક માસનો પગાર આપી ૧૫ કુટુંબોને દત્તક લેવાની જવાબદારી ઉપાડી લીધી છે. દત્તક પરિવારને ૦૫ કી.ગ્રા. ચોખા, ૦૨ કી.ગ્રા.તેલ ૦૨ કી.ગ્રા. ખાંડ ૧૦૦-૧૦૦ ગ્રામ મસાલા, ૦૧ કી.ગ્રા.તુવેર દાળ, ડુંગરી તથા કઠોળની કીટ તૈયાર કરી આપવામાં આવે છે.
અનગઢ ગ્રામ પંચાયતએ ગરીબ જરૂરીયાતમંદ પરિવારને સહાય કરી સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. રાજયની અન્ય ગ્રામ પંચાયતો પણ આ રીતે આગળ આવે તો દરીદ્રનારાયણોની મોટી સેવા થઇ શકે.
