દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ગુજરાતી સાહિત્ય વાચનમાં રસ ધરાવતા અને પુસ્તક-વાંચન પ્રત્યે બીજા લોકોને પ્રેરિત-પ્રોત્સાહિત કરવા ઇચ્છુક ચિંતકોની હાલમાં જ એક બેઠક મળી. બધી વયના વ્યક્તિઓમાં સારાં પુસ્તકો વાંચવાની અભિરુચિ કેળવાય અને સંવર્ધિત રહે એ બાબતે મનન કરવા સાથે ‘વાચનસભા’ નામે એક પહેલ કરવામાં આવી છે. આ કોઈ સંગઠન કે સંસ્થા નથી, માત્ર પુસ્તક વાચનમાં રસ ધરાવતા વ્યક્તિઓ આ પ્રવૃત્તિમાં જોડાઈ શકે છે. ગમે તે પુસ્તક ગમે તે સ્થળે ગમે ત્યારે વાંચી શકાય છે, પરંતુ ખાસ કરીને શહેરીજીવનમાં મોબાઈલ ફોનના આવેગમાં આ વિકલ્પ અટવાઈ ગયો છે એ હકીકત સ્વીકારતાં ઉપસ્થિત મહાનુભાવોએ પુસ્તકો વાંચવાની પ્રવૃત્તિ આગળ શી રીતે વિકસાવી શકાય એની ચર્ચા-વિચારણા કરી હતી.
આકાશવાણીના ભૂતપૂર્વ ગુજરાતી સમાચાર પ્રસ્તુતકર્તા અને જાણીતા બ્લોગલેખક દીપક ધોળકિયાએ જણાવ્યું કે આજે મોબાઈલના આકર્ષણમાં દોરવાઈ ગયેલી નવી પેઢીને પુસ્તકો નહી વાંચવાનો દોષ દઈ શકાય એમ નથી કેમકે આપણે ઉંમરના એક તબક્કે પહોંચેલા વ્યક્તિઓ પણ કેટલું અને શું વાંચીએ છીએ અને નાના હતા ત્યારે આપણી વાંચનની ટેવ શી હતી એ ફ્લેશબેકમાં ય વિચારી જવાની જરૂર છે. એનાથી આપણે અન્યને વાંચવા પ્રેરણા આપવા અને તે માટે પ્રયત્નો કરવા યોગ્ય રીતે સક્રિય થઇ શકીશું. અગ્રણી ચિંતક વડીલ વિનોદ પટેલે જણાવ્યું કે વાચનસભા એક નોખું સોપાન છે જે નિયમિતપણે યોજાય એ જરૂરી છે અને નિશ્ચિતપણે સદવાંચનથી સંસ્કારજતન પણ યોગ્ય દિશામાં થશે. સાહિત્યપ્રેમી રાજીવ મહેતાએ કહ્યું કે વાચનસભામાં વાંચેલ પુસ્તક પર વાચક પોતાનું વક્તવ્ય રજૂ કરશે અને એ રીતે વિચારોની આપણે તો થશે જ સાથોસાથ પારિવારિક અને સામાજિક નિકટતા ભાવના પણ દૃઢ થશે.
આ અનૌપચારિક બેઠકના પ્રારંભે ભાગ્યેન્દ્ર પટેલે આ અભિગમની ભૂમિકા રજૂ કરી હતી અને વાચનસભા વિશેના ખ્યાલ અને દૃષ્ટિકોણની માહિતી આપી હતી. ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભાનાં કુસુમબેન શાહે વાંચનસભા પ્રવૃત્તિને સહર્ષ આવકારતાં પોતાની ભાવના વ્યક્ત કરી કે આજના સમયમાં આને એક વૈચારિક અભિયાન ગણી શકાય અને આ સતત ગતિશીલ રહે, ધબકતું રહે એના નિયમિતને નક્કર પ્રયત્નો થશે. સામાજિક કાર્યકર પ્રફુલ્લ જોશીએ જણાવ્યું કે દિલ્હીમાં ગુજરાતી વસાહત વિસ્તારોમાં ‘વાચનસભા’ની પ્રવૃત્તિ તબક્કાવાર લઈ જવી જોઈએ. આ બેઠકમાં વાચનસભા માધ્યમે માતૃભાષા ગુજરાતીના જતન-સંવર્ધન વિશે પણ રચનાત્મક વાતો થઈ. ઉમેશ માણેક, રાજેશ પટેલ, ચાંદની બાવીશી, લતા પટેલ વગેરેએ પણ હાજરી આપી હતી અને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.